જૂનાગઢ સ્વામિ. મંદિર ચૂંટણી બાદ પોલીસનો મીડિયા પર હુમલો

ગુજરાત મુખ્ય સમાચાર

વડતાલ તાબાના જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં આજે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. મંદિરની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ સત્તાધારી આચાર્ય પક્ષે દેવ પક્ષના સંતો અને હરિભક્તો પર હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. દેવ પક્ષના સંતોએ જણાવ્યું હતું કે સ્વામિ પર હુમલો કરાવવામાં આવ્યો છે. જોકે, મતદાન સમાપ્ત થયા બાદ તુરંત જ પોલીસે મીડિયા પર હુમલો કર્યો હતો. જૂનાગઢ એ.ડિવિઝનના પી. આઈ.વાળાએ મીડિયા કર્મીને લાફાં ઝીંકી અને લાઠીચાર્જ કર્યો હતો. આ તમામ ઘટનાક્રમ બાદ જૂનાગઢના પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે પોલીસ ઇન્સ્પેકટરે હુમલો કર્યો હોવાની ઘટનાને નકારી દીધી હતી.

પ્રત્યક્ષદર્શી જણાવ્યું હતું કે ગઢડામાં હારેલા આચાર્ય પક્ષે જૂનાગઢમાં પણ હાર ભાળી જઈને અને સ્વામિ પર હુમલો કર્યો છે. દેવ પક્ષના કે.પી. સ્વામિએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આચાર્ય પક્ષ ગઢડાની જેમ અહીંયા પણ હાર ભાળી ગયા હોવાથી અમારા વિવેક સાગર સ્વામિ પર હુમલો કરાવ્યો છે. આ આ ઘટનાની પોલીસ ફરિયાદ કરીશું.

જોકે, અંતે મતદાન બાદ પોલીસે ઘટના સ્થળે રહેલા મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર એક મીડિયા કર્મીને લાફો ઝીંકી દીધો હતો. પોલીસની આ કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા. પોલીસે મીડિયા પર લાઠી ચાર્જ પણ કર્યો હતો. મીડિયા પર હુમલાની ઘટના બાદ રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે જૂનાગઢમાં મીડિયા પર હુમલાની ઘટનાની મને જાણ નથી હું પહેલાં એસ.પી. સાથે વાતચીત કરીશ પછી કાર્યવાહી કરીશ. જે પોલીસકર્મી ઘટનામાં સંડોવાયેલા જણાશે તેના પર એસ.પી.ના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે જૂનાગઢના ડી.વાય. એસ.પી. એચ.એસ. રત્નુંએ જણાવ્યું હતું કે મીડિયા પર હુમલો કરનાર પી.એસ.આઈ. અને કૉન્સ્ટેબલ પર કાર્યવાહી થશે.