સાઉદીના ક્રાઉનપ્રિન્સ સલમાને એમેઝોનના માલિક બેજોસનો ફોન હેક કર્યો; તેમની સરકારે કહ્યું- આ સમાચાર ખોટા છે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સાઉદી અરબે એ તમામ રિપોર્ટ્સને ફગાવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 2018માં ક્રાઉન પ્રિન્સ સલમાને એક વોટ્સએપ મેસેજ દ્વારા એમેઝોનના માલિક જેફ બેજોસનો ફોન હેક કરી લીધો હતો. સાઉદી શાસને કહ્યું કે, આ સમાચાર ખોટા છે. અમે આ દાવા વિરુદ્ધ તપાસની માંગ કરીએ છીએ, જેથી તમામ તર્કને યોગ્ય રીતે રજુ કરી શકાય.

કેવી રીતે થયો ખુલાસો?
એક દિવસ પહેલા જ બ્રિટિશ છાપા ધ ગાર્જિયનના સૂત્રોનો હવાલાથી દાવો કર્યો કે, 2018માં બેજોસના ફોન પર સાઉદી પ્રિન્સના પર્સનલ વોટ્સએપ નંબરથી મેસેજ કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં ઘણી એવી વાયરસ વાળી ફાઈલો હતી, જેનાથી બેજોસનો ફોન હેક થઈ ગયો હતો. ગાર્જિયનના જણાવ્યા પ્રમાણે, આ વાતનો ઘટસ્ફોટ ડિઝીટલ ફોરેન્સિક એનાલિસિસના રિપોર્ટમાં થયો છે. જેમાં એક વીડિયોના કારણે બેજોસના ફોનની સિક્યોરિટી તૂટી ગઈ હોવાનું સામે આવ્યું છે.

સૂત્રોએ દાવો કર્યો છે કે 1 મે, 2018ના રોજ બેજોસ અને પ્રિન્સ સલમાન વચ્ચે ઘણી વાતો થઈ હતી. આ વચ્ચે પ્રિન્સ સલમાનના એકાઉન્ટથી ખરાબ ફાઈલ બેજોસના એકાઉન્ટમાં મોકલવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, બન્ને વચ્ચે વાતોના થોડા કલાકોની અંદર અંદર જ બેજોસના મોબાઈલમાંથી મહત્વનો ડેટા ગુપ્ત રીતે લેવાયો હતો. હજુ એ સ્પષ્ટતા નથી થઈ કે જે ફાઈલ્સ લેવાઈ છે એમાં શું હતું. આ ઘટસ્ફોટ બાદથી જ માનવામાં આવી રહ્યું છે કે સાઉદી પ્રિન્સ ખાનગી રીતે બેજોસની જાણકારી મેળવવામાં સામેલ હતા.

એમેઝોને આ અંગે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો
સાઉદી અરબ તંત્ર અને એમેઝોન વચ્ચેના સંબંધો ગત મહિને જ ખારા થયા હતા. જો કે, બેજોસ અમેરિકન છાપા વોશિંગ્ટન પોસ્ટના માલિક છે. પ્રિન્સ સલમાન પર આરોપ છે કે તેમના આદેશ પર જ સાઉદી તંત્રએ વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખગોશીની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ બેજોસ અને પ્રિન્સ સલમાનના સંબંધ બગડ્યા હતા.એમેઝોનન પ્રમુખના સિક્યોરિટી ચીફે ખગોશીની હત્યા બાદ કહ્યું હતું કે, સાઉદી પાસે બેજોસના ફોનનું એક્સેસ હતું અને હેકિંગ દ્વારા તેને બેજોસની ઘણી ખાનગી માહિતી ચોરી કરી હતી. જો કે, એમેઝોને અત્યાર સુધી આ કેસ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.