સળંગ બીજી મેચમાં સદી ફટકારીને વિરાટ કોહલીએ વર્લ્ડ કપ અગાઉ તમામ હરીફને ચેતવી દીધા છે પરંતુ શુક્રવારે અહીં રમાયેલી ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 313 રનના પડકારજનક સ્કોર નોંધાવ્યા બાદ 32 રનથી વિજય હાંસલ કર્યો હતો. આ સાથે વર્તમાન સિરીઝ જીવંત રહી હતી જેમાં ભારત 2-1ની સરસાઈ ધરાવે છે. ચોથી વન-ડે દસમીએ મોહાલીમાં રમાશે. ધોનીના હોમગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં પાંચ વિકેટે 313 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં ભારત 48.2 ઓવરમાં 281 રન કરી શક્યું હતું. 314 રનના કપરા કહી શકાય તેવા ટારગેટ સામે ભારતના બંને ઓપનર નિષ્ફળ રહ્યા હતા. વિરાટ કોહલી આ વખતે ટોસ જીતવામાં નસીબદાર રહ્યો હતો અને તેણે પ્રવાસી ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. સિરીઝમાં પહેલી વાર ઓસ્ટ્રેલિયન ઓપનર્સે અફલાતુન બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. કેપ્ટન એરોન ફિંચ અને ઉસ્માન ખ્વાજાએ ભારતના એકેય બોલરને મચક આપી ન હતી. જસપ્રિત બુમરાહને પ્રારંભમાં સફળતા મળી શકે તેમ હતી પરંતુ રિવ્યૂમાં ફિંચ નોટઆઉટ જાહેર થયો હતો.
