નાગરિકતા કાનૂનના વિરોધમાં દિલ્હીમાં હિંસક પ્રદર્શન, બસોમાં આગ ચાંપી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નાગરિકતા કાનૂનના વિરોધમાં ચાલી રહેલા જામિયાના વિદ્યાર્થિઓનું પ્રદર્શન રવિવારે ઉગ્ર થઈ ગયું. આ પ્રદર્શનકારીઓએ રવિવારે ઘણી બસોમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી. જે બાદ દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ કરવા પડ્યો અને ટીયરગેસના સેલ છોડવા પડ્યા. અત્યાર સુધીમાં મળેલી માહિતી અનુસાર પ્રદર્શનકારીઓએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો છે. પોલીસે હાલ મથુરા રોડ બંધ કર્યો છે.

ટ્રાફિક પોલીસે ટ્વીટ કરી જાણકારી આપી કે, પ્રદર્શનના કારણે ઓખલા અંડરપાસથી સરિતા વિહાર સુધીના માર્ગ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. પ્રદર્શનકારીઓએ ન્યૂ ફ્રેંડ્સ કોલોની નજીક મથુરા રોડને બ્લોક કરી દીધો છે. જેના કારણે બદરપુર અને આશ્રમ ચોકથી વાહનવ્યવહારને વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરાયો છે.

નોઈડાથી ન્યૂફ્રેન્ડ્સ કોલોની તરફ આવી રહેલી બસોમાં તોડફોડ કરવામાં આવી. કેટલીક સરકારી બસોમાં મુસાફરો બેસેલા હતા ત્યારે અચાનક ભીડે લાકડી અને પથ્થરથી બસો પર હુમલો કર્યો. ઘણી બસોમાં આગ લગાવી દીધી. પ્રદર્શન દિલ્હીના ઓખલા, જામિયા અને કાલિંદી કુંજવાળા વિસ્તારમાં થઈ રહ્યું છે.

રવિવારે સાંજે જામિયામાં પ્રદર્શન ઘણું ઉગ્ર થઈ ગયું હતું. પ્રદર્શનકારીઓએ કેટલીય બસોમાં આગ ચાંપી જેના પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. બસોમાં લાગેલી આગને કાબૂમાં લેતા હતા તે દરમિયાન જ પ્રદર્શનકારીઓએ ગાડી પર હુમલો કરી દીધો. જેમાં ફાયરમેનને ઈજા પહોંચી.