નાગરિકતા સંસોધન કાનૂન પર ઉત્તર પૂર્વના રાજ્યોમાં થઈ રહેલા વિરોધના પગલે અમિત શાહે આ કાયદામાં જરૂર પડે તો બદલવાના સંકેત આપ્યા છે.
ઝારખંડમાં ગૃહમંત્રીએ એક રેલીને સંબોધન કરતા કહ્યુ હતુ કે, મેઘાલયના મુખ્યમંત્રીએ મને કાયદામાં કેટલાક બદલવા કરવા માટે કહ્યુ છે. હું તેમને ક્રિસમસ બાદ મળીશ અને મેઘાલય માટે આ કાયદામાં કોઈ ઉકેલ લાવવા માટે વિચારાશે. કોઈએ આ કાયદાથી ડરવાની જરુર નથી.
અમિત શાહનુ આ નિવેદન બહુ સૂચક મનાઈ રહ્યુ છે. કારણકે પહેલા જ છ રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરલ, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ આ કાયદાને લાગુ નહી કરવા માટે કહી ચુક્યા છે.
દરમિયાન અમિત શાહે કોંગ્રેસ પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવતા કહ્યુ હતુ કે, અમે આ બિલ લઈને આવ્યા ત્યારથી કોંગ્રેસને પેટમાં દુખવા માંડ્યુ હતુ. કોંગ્રેસ જ બિલ સામે હિંસા ભડકાવી રહી છે.
તેમણે આશ્વાસન આપતા કહ્યુ હતુ કે, પૂર્વોત્તરના લોકોની સંસ્કૃતિ, ભાષા, સામાજીક ઓળખ આ બિલના કારણે ફેરફાર નહી થાય. હું આસામ અને પૂર્વોત્તરના બીજા રાજ્યોને કહેવા માંગુ છું કે, મોદી સરકાર તેમના કલ્ચરની રક્ષા કરવા માટે પ્રતિબધ્ધ છે.

