આજકાલ ડુંગળીના ભાવ સામન્ય લોકોને રડાવી રહ્યાં છે પરંતુ કર્ણાટકના એક ખેડુતે રિસ્ક લીધું અને આજે તે માલામાલ બની ગયો છે. ચિત્રદુર્ગ જિલ્લાનો રહેવાસી મલ્લિકાર્જૂને એક રિસ્ક લઈ ડુંગળીનું વાવેતર કર્યું અને આજે તેને ડુંગળીના જે ભાવ મળ્યા તેનાથી તે ઘણો જ ખુશ છે. 42 વર્ષનાં આ ખેડૂતે ડુંગળીનાં બીજ લોન લઈને વાવ્યા હતા. તેણે કહ્યુ કે, મે બહુ મોટું રિસ્ક લીધુ હતુ. જો વાતાવરણે મને સાથ ના આપ્યો હોત અને કિંમતોમાં ઘટાડો થયો હોત તો હું બહુ જ મુશ્કેલીમાં મુકાઈ ગયો હોત.
એક તરફ આકાશ આંબી રહેલા ડુંગળીના ભાવો ગ્રાહકોની આંખમાં આંસુ લાવી રહ્યા છે ત્યારે કર્ણાટકનો આ ખેડૂત ડુંગળીના કારણે જ કરોડપતિ બની ગયો છે અને આસપાસના ખેડૂતો માટે આદર્શ બની ગયો છે.
ચિત્રદુર્ગ જિલ્લાના ડોડ્ડાસિદ્ધાવનહલ્લીના રહેવાસી મલ્લિકાર્જુન નામના ખેડૂતના નસીબે અચાનક જ પલટો માર્યો હતો અને ડુંગળીના ભાવો વધવાના કારણે દેવામાં ડૂબેલા મલ્લિકાર્જુન એક મહીનામાં જ કરોડપતિ બની ગયા હતા. આ ઉપરાંત આજુબાજુના વિસ્તારના ખેડૂતો તેમને પોતાના આદર્શ માનવા લાગ્યા છે અને તેમના પાસેથી ખેતીને લગતી સલાહો લેવા આવી રહ્યા છે.
મલ્લિકાર્જુને(42 વર્ષ) દેવું કરીને ડુંગળીની ખેતી કરી હતી. આ વર્ષે તેમણે સૌથી મોટું જોખમ ખેડયું હતું અને જો પાક બગડી જાત અથવા ભાવ ઘટી જાત તો તેઓ બધી બાજુથી ફસાઈ જાત પરંતુ ડુંગળીના પાકે તેમના પરિવારને હર્ષના આંસુ વડે ભીંજવી દીધો છે. તેમણે ડુંગળીનો 240 ટન પાક મેળવ્યો હતો અને ડુંગળીનો ભાવ પ્રતિ કિગ્રાઅ 200 રુપિયા થઈ જતા તેમને ખૂબ જ નફો થયો છે.
મલ્લિકાર્જુને ૧૫ લાખ રુપિયાનું રોકાણ કર્યું ત્યારે તેમને પાંચ કે 10 લાખ રુપિયા નફો થશે તેવી આશા હતી પરંતુ ભાવવધારાના લીધે તેમને અનેક ગણો નફો મળ્યો છે. ડુંગળીમાં ખૂબ સારો નફો મળ્યા બાદ તેમણે પોતાનું દેવું ભરપાઈ કરી દીધું છે તથા એક સુંદર ઘર બનાવવાનો અને ખેતીનો વ્યાપ વધારવા જમીન ખરીદવાનો વિચાર કરી રહ્યા છે. તેઓ 2004ની સાલથી ચોમાસા દરમિયાન ડુંગળી ઉગાડે છે. આ વર્ષે તેમણે પોતાની 10 એકર જમીન ઉપરાંત ભાડા પર બીજી 10 એકર જમીન લઈ 50 જેટલા મજૂરો રાખી ડુંગળી ઉગાડી હતી.

