આંધ્ર પ્રદેશના ગન્નવરમ એરપોર્ટ પર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને હવે વિપક્ષના નેતા એન. ચંદ્રબાબૂ નાયડૂની પણ શુક્રવારે મોડી રાત્રે અન્ય પ્રવાસીઓની જેમ તપાસ કરવામાં આવી હતી. વિમાન સુધી જવા માટે તેમને કોઈ વીઆઈપી સુવિધા આપવામાં આવી નહીં. સામાન્ય પ્રવાસીઓની જેમ તેમને પણ બસ દ્વારા જ વિમાન સુધી જવાની પરજ પડી. વિમાન સુધી જવા માટે તેમણે એરપોર્ટ કર્મચારીઓ સાથે વાત કરી હતી પરંતુ તેમણે કોઈ પ્રાઈવેટ વાહનની સુવિધા પૂરી ન પાડી.
તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના નેતા નાયડૂની એરપોર્ટ પર તપાસી લેવાની અને પ્રાઈવેટ વાહનની સગવડ ન કરી આપવાના મામલે પાર્ટીએ નારાજગી દર્શાવી હતી. પાર્ટીએ આરોપ લગાવતા કહ્યું ભાજપ અને વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી નાયડૂ સાથે બદલાની ભાવનાથી રાજકારણ રમી રહ્યું છે.
ટીડીપી પાર્ટી નેતા તેમજ રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી ચિન્ના રાજપ્પાએ કહ્યું કે અધિકારીઓનો નાયડૂ પ્રત્યેનો વ્યવહાર અપમાનજનક હતો. તેમને ‘ઝેડ પ્લસ’ શ્રેણીની સુરક્ષા મળેલી છે તેમ છતા પણ તેમની સુરક્ષા પર ધ્યાન રાખવામાં નહતું આપ્યું. આ પહેલા ક્યારેય પણ તેમને આવી પરિસ્થિતિમાંથી પસાર નથી થવું પડ્યું.