સીધૂને કરતારપુર કોરિડોર ઉદ્ઘાટનનું આમંત્રણ મળ્યું છે, મંજૂરી મળ્યા બાદ જશે : નવજોત કૌર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોર-શોરથી થઈ રહી છે. પાકિસ્તાને કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિધૂ પણ આમંત્રણ મોકલ્યું છે. જેની પુષ્ટી તેમની પત્ની નવજોત કૌર સિધૂએ શનિવારના રોજ કરી હતી. તેમણે કહ્યું હતું કે સિધૂને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તરફથી કાર્યક્રમમાં ભાગ લેવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે, હવે જો તેમને ત્યાં જવા માટેની મંજૂરી મળશે તો તેઓ જરૂરથી પાકિસ્તાન જશે.

નોંધનીય છે કે સિધૂને પાકિસ્તાન તરફથી મળેલા નિમંત્રણ બાદ ભારતના વિદેશ મંત્રાલયે સૂચન કર્યું હતું કે સિધૂ પાકિસ્તાન જાય તે અગાઉ તેમણે પોલિટિકલ ક્લિયરન્સ લેવું પડશે. સિધૂની પત્ની નવજોત કૌરે કહ્યું કે, ‘સિધૂએ જરૂરી મંજૂરી મેળવવા માટે આવેદન પત્ર ભરી દીધું છે. તેમને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય તરફથી સવિશેષ આમંત્રણ મળ્યું છે. જો તેમને ભારત સરકાર તરફથી મંજૂરી આપવામાં આવશે તો તેઓ જરૂર પાકિસ્તાન જશે.’