કેન્દ્ર ચૂંટણી માટે નાણાંકીય સહાય પૂરી પાડે: મમતાનો પીએમ મોદીને પત્ર

મુખ્ય સમાચાર રાજકીય

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્ર પાસેથી આગમી ચૂંટણી લડવા માટે આર્થિક સહાય માંગી છે. તેમણે આ માટે વિશ્વના અન્ય 65 જેટલા દેશોની વ્યવસ્થાનો હવાલો આપ્યો હતો જ્યાં ચૂંટણી લડવા માટે રાજકીય પાર્ટીઓને કેન્દ્ર સરકાર નાણાકીય સહાય પૂરી પાડે છે. ટીએમસી પ્રમુખે ભ્રષ્ટાચાર અને અપરાધોને રોકવા માટે ચૂંટણી સુધારપત્રમાં લખ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે, વિશ્વના 65 દેશોની જેમ સરકાર ચૂંટણી માટે નાણાંકીય સહાય પૂરી પાડે.

પોતાના પત્રમાં મમતા બેનરજીએ આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કરાયેલા બેહિસાબ ખર્ચા મામલે ચિંતા વ્યક્ત કરતા લખ્યું હતું કે, આ વિશ્વની સૌથી ખર્ચાળ ચૂંટણી હતી. ચૂંટણી ખર્ચ મામલે આવેલા રિપોર્ટના આધારે બેનરજીએ જણાવ્યું કે, વર્ષ 2019ની ચૂંટણીનો ખર્ચ વર્ષ 2014ની લોકસભા ચૂંટણી ખર્ચની સરખામણીઓ બે ગણો હતો. આ ચૂંટણીમાં ઓછામાં ઓછા 60 હજાર કરોડ રુપિયા ખર્ચવામાં આવ્યા જેની મહત્તમ મર્યાદા વિશે કોઇ જાણકારી નથી.

મમતાએ જણાવ્યું કે, ભારતમાં સ્વતંત્ર, પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી માટે ચૂંટણી પ્રક્રિયામાં તાત્કાલિક સુધારની જરુરત છે. બેનરજીએ ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અંગે ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાનને ચૂંટણી પબ્લિક ફંડિંગના મુદ્દે બધા જ રાજકીય દળોની બેઠક બોલાવવા અપીલ કરી હતી.