મોદીના વિમાનને પાકિસ્તાને પોતાના એર સ્પેસમાંથી પસાર થવાની મંજૂરી આપી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પહેલી વખત સાંઘાઇ સમિટમાં મળશે. જોકે આ સાંઘાઇ સમિટ કિર્ગિસ્તાનમાં યોજાવાની હોવાથી ભારતથી ત્યાં જવા માટે પાકિસ્તાન પરથી પ્લેન પસાર કરવું જરુરી હોય છે.

પરીણામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્લેનને પાકિસ્તાનના હવાઇ માર્ગેથી પસાર કરવા માટે પાકિસ્તાન પ્રશાસનની અનુમતી લેવી પડી હતી. છેલ્લી ઘડી સુધી પાકિસ્તાને આ અંગે મૌન રાખ્યું હતું જોકે હવે અંતે મોદીના વિમાનને ઉડવાની અનુમતી આપી દીધી છે.

પરીણામે નરેન્દ્ર મોદી હવે પાકિસ્તાન ઉપરથી પસાર થઇને કિર્ગિસ્તાન જશે. નરેન્દ્ર મોદીનું વિમાન બિશકેકમાં ઉતરશે. આગામી ૧૩-૧૪ જૂનના રોજ સાંઘાઇ સમિટ યોજાવાની છે. જેમાં જોડાવવા માટે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પણ આવશે.

પુલવામા હુમલા બાદ ભારતે બાલાકોટ એરસ્ટ્રાઇક કરી હતી, જે બાદ પાકિસ્તાને પોતાના એર સ્પેસને સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો અને ભારતના વિમાનોએ પસાર થવા માટે અનુમતી લેવી પડી તેવી સ્થિતિ ઉભી કરી છે. પરીણામે નરેન્દ્ર મોદીના વિમાનને પસાર થવા માટે પણ આ જ પ્રકારની અનુમતી લેવી પડી હતી.

નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાન બન્ને એકબીજાને પહેલી વખત ઔપચારિક રીતે મળવા જઇ રહ્યા છે ત્યારે પાકિસ્તાને એવી આશા વ્યક્ત કરી છે કે બન્ને દેશો વચ્ચે ફરી વાતચીત શરૂ કરવામાં આવે અને કાશ્મીર સહીતના મુદ્દે જે વિવાદ છે તેનો નિકાલ કરવામાં આવે.

જોકે ભારતે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને આડેહાથ લીધુ છે અને કોઇ પણ પ્રકારની વાતચીતની ના પાડી દીધી છે. વિદેશી બાબતોના મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાન વચ્ચે સત્તાવાર રીતે કોઇ જ વાતચીત નહીં થાય. જોકે એવા પણ અહેવાલો છે કે નરેન્દ્ર મોદી ઇમરાન ખાન બન્ને માત્ર ઔપચારિક મુલાકાત કરી શકે છે.