જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં જવાનોને એક આતંકવાદીને ઠાર કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. બારામૂલા જિલ્લાના સોપોરના પયીન વિસ્તારમાં ચાલી રહેલી અથડામણમાં જવાનોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. સેનાના વિશ્વાસુ પાસેથી યોગ્ય માહિતી મળ્યા બાદ તેમણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેવામાં અચાનક આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાનો તરફથી કરવામાં આવી રહેલી તાબડતોબ કાર્યવાહીમાં અત્યારસુધીમાં એક આતંકવાદી ઠાર થયો છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અથડામણમાં એક આતંકવાદી ઠાર થયો છે જેની ઓળખ હજી સુધી થઈ શકી નથી. સેનાને આતંકવાદીનો મૃતદેહ ઘટનાસ્થળેથી મળી આવ્યો હતો. આતંકવાદીની ઓળખ અને તેના સંગઠન વિશે પોલીસ માહિતી મેળવી રહી છે. વિસ્તારમાં હજી પણ કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળેથી હથિયાર અને દારૂ-ગોળા જપ્ત કરવામાં આવ્યા છે. હજી પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અથડામણના કારણે સોપોરની બધી જ શાળાઓને આજે બંધ રાખવામાં આવી છે.