ADC બેંક માનહાનિ કેસમાં રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર થવા અમદાવાદ પહોંચ્યા

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

અમદાવાદ: કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી આજે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થવા માટે અમાદવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. તેમનું સ્વાગત કરવા કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણી, રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. એડીસી બેંકે કરેલા કેસમાં કોર્ટે તેમને 12મી જુલાઈ એટલે કે આજે હાજર થવા ફરમાન કર્યું હતું. ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજીસ્ટ્રેટ એસ.કે ગઢવી સામે તેમની જુબાની લેવામાં આવશે.

રાહુલ નોટબંધી સમયે બ્લેકના વ્હાઈટ કર્યાનો આરોપ લગાવ્યો હતો
એડીસી બેંકે કરેલા રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસમાં ગઈ 27 મેએ રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર ન રહેતા સુનાવણી ટળી હતી. નોટબંધી સમયે પ્રેસ-કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ રૂ. 745 કરોડ બ્લેકના વ્હાઈટ કરાયા હોવાનો આરોપ લગાવ્યો હતો. જેની સામે એડીસી બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં કર્યો હતો.

કોંગ્રેસ સ્વાગત માટે તૈયાર
અમદાવાદની મેટ્રો કોર્ટમાં એડીસી બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો. કોર્ટે રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ તેમનું સ્વાગતની તૈયારી કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી અને રાહુલ ગાંધીના સ્વાગતને લઇને કાર્યક્રમના મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. કોંગ્રેસ પાર્ટી એરપોર્ટથી લઇને અમદાવાદ મેટ્રો કોર્ટ સુધી રાહુલ ગાંધીનું સ્વાગત કરશે.

રાહુલને કેસના ડોક્યુમેન્ટની ટ્રાન્સલેટ કોપી આપવા આદેશ
ગુજરાતી આવડતું ન હોવાથી માનહાનિના કેસના તમામ ડોક્યુમેન્ટની કોપી ટ્રાન્સલેટ કરીને રાહુલને આપવા કોર્ટમાં રજુઆત કરાઈ છે. જેમાં કોર્ટે સર્ટિફાઈડ તમામ ડોક્યુમેન્ટ્સ રાહુલ ગાધીના વકીલને આપવાનો હુકમ કર્યો હતો.