પશ્ચિમ બંગાળમાં હિંસાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. માલદામાં બે દિવસ પહેલા ભાજપનો એક કાર્યકર્તા ગુમ થયો હતો જેનો મૃતદેહ મળી આવ્યો છે. ભાજપા કાર્યકર્તા આશીષ સિંહ બે દિવસ પહેલા માલદામાંથી ગુમ થયો હતો. બે દિવસ બાદ ઈંગ્લિશ બજાર પોલીસ સ્ટેશનના બાધાપુકુર વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. આશીષ સમગ્ર વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય હતો. તેના શરીર પર ઈજાના નિશાનો સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા હતા. પહેલી નજરે જોતા એવું જ લાગી રહ્યું છે કે તેની હત્યા કરવામાં આવી હોય. પોલીસે કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના પ્રકાશમાં આવતા બંગાળનું રાજકારણ તણાવગ્રસ્ત થઈ ગયું છે. આશીષનો મૃતદેહ મળ્યા બાદથી જ ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. બુધવારે કોલકાતામાં ભારતીય જનતા પાર્ટી મમતા બેનરજી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહી છે. તેઓ બંગાળ પોલીસ હેડ ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકર્તાઓએ પોલીસને ઘેરી લીધા છે અને મમતા સરકાર વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે. આશીષની હત્યાનો મામલો ભાજપ આજે કોલકાતામાં પણ ઉઠાવશે.

