કેન્દ્રમાં મોદી સરકારે સોના બજાર માટે મહત્વની જાહેરાત કરી છે. સરકારની જાહેરાત મુજબ દેશભરના સોની બજારોમાં કોઇપણ પ્રકારના સોનાના દાગીના હોલમાર્ક વિના વેચી શકાશે નહીં. ગ્રાહક બાબતોના મંત્રી રામ વિલાસ પાસવાને શુક્રવારે જાહેરાત કરતા જણાવ્યું કે, ગુણવત્તા સુનિશ્ચિત કરવાના હેતુસર સોનાના ઘરેણા અને કલા કૃતિઓ માટે હોલમાર્કનો નિયમ 15મી જાન્યુઆરી 2021થી ફરજિયાત કરવામાં આવ્યો છે.
જો કે આ જાહેરાત દરમિયાન સરકારે દેશભરના સોનીઓને રાહત આપતા જણાવ્યું કે હોલમાર્ક વગરના દાગીનાઓ વેચવા માટે સરકાર તેઓને એક વર્ષની સમય મર્યાદા આપી રહી છે. સમગ્ર દેશના સોનીઓને ઘરેણાંના હોલમાર્ક લેવા માટે એક વર્ષનો સમય આપવામાં આવ્યો છે. જે દરમિયાન તેઓએ જૂના સોનાના દાગીનાનો સ્ટોક ક્લીયર કરવાનો રહેશે.
ભારતીય માનક બ્યૂરોએ 234 જીલાઓમાં 877 કેન્દ્રો ખોલ્યાં છે દેશભરમાં અત્યાર સુધી માત્ર 26,019 જ્વેલર્સ પાસે હોલમાર્ક છે. સમગ્ર ભારતમાં નાના-મોટા થઇને આશરે 6 લાખ જ્વેલર્સ છે.

