ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિ ખૂબ જ કડક હોવાથી એચ-1બી વિઝા અરજીને નકારી કાઢવાનો દર ખૂબ જ ઊંચો થઈ ગયો છે. એક અમેરિકી થિંક ટેન્કે જણાવ્યા મુજબ વર્ષ 2015માં એચ -1બી વિઝા અરજી નકારી કાઢવાનો દર જે છ ટકા હતો તે વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વધીને 24 ટકા થઈ ચૂક્યો છે.
અમેરિકી નાગરિકો અને ઇમિગ્રેશન સેવાઓ તરફથી મળેલા ડેટા આધારે નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જણાવ્યા મુજબ ભારતીય કંપનીઓ દ્વારા થયેલી અરજી નકારવામાં આવી હોય તેની સંખ્યા પ્રમાણમાં ખૂબ વધી ગઈ છે. તે આધારે આક્ષેપ થઈ રહ્યા છે કે વર્તમાન વહીવટીતંત્ર ભારતીય કંપનીઓને ખોટી રીતે નિશાન બનાવી રહી છે.
અન્ય અમેરિકી કંપનીઓને આઇટી સેવા અને વ્યવસાયી પૂરી પાડી રહેલી 12 કંપનીની વાત કરવામાં આવે તો તેમના દ્વારા થયેલી એચ-1બી અરજીને નકારવાનું પ્રમાણ પણ વર્ષ 2019ના ત્રણ ક્વાર્ટર દરમિયાન વધીને 30 ટકા થઈ ગયું છે. તે કંપનીઓમાં એસેન્ચુઅર અને કેપજેમીની સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે.
આ દરે ભારતની કંપનીઓને નકારી દેવામાં આવી
વર્ષ 2015થી 2019 સુધીના આ સમયગાળા દરમિયાન ભારતીય કંપનીઓ દ્વારા થયેલી એચ-1બી વિઝા અરજીને નકારી કાઢવામાં આવી હોય તેના પ્રમાણને ચકાસવામાં આવે તો ટેક મહિન્દ્રાના કિસ્સામાં અરજી નકારવાનું પ્રમાણ ચાર ટકાથી વધીને 41 ટકા થયું છે, તાતા કન્સલ્ટન્સીના કિસ્સામાં આ પ્રમાણ છ ટકાથી વધીને 34 ટકા તો વીપ્રોના કિસ્સામાં સાત ટકાથી વધીને 53 ટકા થયું છે. ઇન્ફોસિસના કિસ્સામાં તો અરજી નકારવાનું પ્રમાણ બે ટકાથી વધીને 45 ટકા થઈ ચૂક્યું છે.