ડુંગળીના ભાવ 80 રૂપિયા કિલોએ પહોંચ્યા, 7 દિવસમાં 45% વધારો; સરકાર ઈરાન સહિત 4 દેશોમાંથી આયાત કરશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ડુંગળીના ભાવ આકાશને અડવા લાગ્યા છે. હવે કાંદા 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયા છે. દિલ્હીમાં 7 દિવસમાં 45% ભાવ વધી ગયો છે. 31 ઓક્ટોબરે ભાવ 55 રૂપિયા હતો. સપ્લાઈ પર પ્રતિબંધ હોવાના કારણે દિલ્હી-NCRમાં છેલ્લા એક મહિનામાં ભાવમાં ઉછાળો આવ્યો છે. હાલનો ભાવ એક વર્ષ પહેલાની સરખામણીમાં બમણા કરતા પણ વધારે થઈ ગયો છે. ગત વર્ષે નવેમ્બરમાં ડુંગળીનો ભાવ 30-35 રૂપિયા પ્રતિ કિલો હતો. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, ભારે વરસાદ અને પૂરના કારણે ખેડૂતોને ડુંગળીના પાકમાં ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે. પરંતુ નવેમ્બર મહિનાના અંત સુધી તમામને મોટી રાહત આપવામાં આવશે.

નવેમ્બર મહિનાના અંત સુધી ખેડૂતોને રાહત મળી જશે
કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું કે, ડુંગળીના ભાવમાં થઈ રહેલા વધારાનું મુખ્ય કારણ માંગ અને સપ્લાઈમાં આવી રહેલું અંતર છે. ભારે વરસાદ અને પુરના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. પણ નવેમ્બર મહિનાના અંત સુધી તેમને રાહત મળી જશે.

કેન્દ્ર સરકાર મધર ડેરી દ્વારા 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી રહી છે

  • ગ્રાહકો મામલાના મંત્રાલયના અધિકારીના જણાવ્યા પ્રમાણે, આગામી થોડા દિવસોમાં ભાવ ઓછા થવાની સંભાવના છે, કારણ કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટકમાં નવા પાકની આવક શરૂ થઈ ગઈ છે. દિલ્હીમાં બફર સ્ટોકથી ડુંગળીની ઉપલ્બ્ધતા વધારાઈ રહી છે. મધર ડેરીના સફલ આઉટલેટ પર 24.90 રૂપિયાના ભાવે ડુંગળી વેચાઈ રહી છે.
  • ઘણા આઉટલેટ્સ પર ડુંગળીનો સ્ટોક ખતમ થવાની ફરિયાદ પણ મળી રહી છે. જંગપુરા એક્સટેન્શન આઉટલેટ પર એક મહિલાએ જણાવ્યું કે, ડુંગળી ખરદીવા માટે તેને 2 કલાક લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતુ પરંતુ જેવો જ આ મહિલાનો વારો આવ્યો ડુંગળીનો સ્ટોક ખતમ થઈ ગયો.
  • કેન્દ્ર સરકાર ડુંગળીના કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે સતત પ્રયાસો કરી રહી છે. જેના માટે અફઘાનિસ્તાન, ઈજિપ્ત, તુર્કી, અને ઈરાનની ખાનગી આયાતને સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે. વેપારીઓએ સરકારને જણાવ્યું છે કે, આયાત કરાયેલી ડુંગળીના 80 કન્ટેનર ભારતીય બંદરો પર પહોંચી ગયા છે.