ભારતની અર્થવ્યવસ્થાને લઇને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ ભારતની અર્થવ્યવસ્થામાં જૂલાઇથી સપ્ટેમ્બરની વચ્ચે ગત છ વર્ષની સૌથી ધીમી ગતિએ વધારો થયો છે. આ દરમિયાન દેશની GDP માત્ર 4.5% રહી જે ગત ત્રિમાસિકની GDPથી પણ ઓછી રહી. 2018માં જૂલાઇ-સપ્ટેમ્બરની વચ્ચે GDP દર 7% હતો, આ પહેલા સૌથી ઓછી જીડીપી 2013માં જાન્યુઆરી-માર્ચ દરમિયાન 4.3% નોંધવામાં આવી હતી.
શુક્રવારે NSO દ્વારા જાહેર કરાયેલા GDP આંકડાઓ મુજબ ચાલુ નાણાકીય વર્ષ 2019-20ની જૂલાઇ-સપ્ટેમ્બર દરમિયાન સ્થિર મૂલ્ય (2011-12) પર જીડીપી 35.99 લાખ કરોડ રુપિયા રહ્યું, જે ગત વર્ષે આજ સમયગાળામાં 34.43 લાખ કરોડ રુપિયા હતું.
આ કટોકટીભર્યા ત્રિમાસિકમાં ખેતી, વનીકરણ અને મસ્ત્યપાલન ક્ષેત્રે 2.1% અને ખાણકામમાં 0.1 %ની વૃદ્ધિ જોવા મળી હતી. બીજી તરફ ઉત્પાદન ક્ષેત્રે એક ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ત્રણે સેક્ટરના ખરાબ પ્રદર્શનને કારણે આર્થિક વૃદ્ધિ દર નબળી પડી છે. આ સિવાય વીજળી, ગેસ, જળ પૂરવઠો અને અન્ય ઉપયોગી ક્ષેત્રોમાં ચાલુ નાણાકીય વર્ષના જૂલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસીકમાં 3.6 ટકા અને બાંધકામ ક્ષેત્રે 3.3 ટકાની વૃદ્ધિ થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ પેહલા માહિતી મળી હતી કે દેશના પાયાકીય ક્ષેત્રોમાં આઠ ઉદ્યોગોનું ઉત્પાદન ઓક્ટોબરમાં 5.8 ટકા ઘટ્યું જે આર્થિક મંદી વધવાના સંકેત આપી રહ્યું છે. આ સંબંધમાં શુક્રવારે સરકારે જાહેર કરેલા આંકડાઓમાં દેશના આઠ પાયાકીય ઉદ્યોગોમાંથી છ ઉદ્યોગોમાં ઓક્ટોબર દરમિયાન ઘટાડો નોંધવામાં આવ્યો. ઓક્ટોબરમાં કોલસા ઉત્પાદન 17.6%, ક્રૂડ ઓઇલ 5.1% અને પ્રાકૃતિક ગેસનું ઉત્પાદન 5.7% ઘટ્યુ છે.
આ પહેલા સિમેન્ટ ઉત્પાદન 7.7%, સ્ટીલ 1.6% અને વીજળી ઉત્પાદન 12.4% ઘટ્યુ હતું. આ સમયગાળામાં માત્ર ખાતર ક્ષેત્ર એવું હતું જેમાં વાર્ષિક આધારે 11.8 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી હતી. રિફાઇનરી ઉત્પાદનોની વૃદ્ધિ દર ઘટીને 0.4% પર આવી ગયો હતો જે ગત વર્ષે 1.3% હતું.
ઓક્ટોબર 2018માં પાયાના આઠ ઉદ્યોગોના ઉત્પાદનમાં 4.8 ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો. આ વર્ષે એપ્રિલ-ઓક્ટોબરમાં પાયાકીય આઠ ઉદ્યોગોમાં વિકાસ દર ઘટીને 0.2 % રહ્યો, ગત વર્ષે આ સમયમાં આ પ્રમાણ 5.4 % હતું.