ગાંધીનગર શહેર નજીક અડાલજ પંથકના દંતાલી, કોબા અને શેરથામાં ગોળી ધરબી દઈ ત્રણ વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હતી ત્યારે આ હત્યાઓ કરનાર સિરીયલ કીલરને પકડવા માટે ખાસ એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસઆઈટીના જવાનોની સાથે અડાલજ પોલીસ પણ દરરોજ આ પંથકમાં સવારે આઠથી બાર સુધી ધામા નાંખે છે પરંતુ હજુ સુધી આ કીલરને પકડવામાં કોઈ સફળતા મળી નથી.
ગાંધીનગર જિલ્લાના અડાલજના દંતાલી ગામે ત્યારબાદ કોબા અને શેરથામાં એક પછી એક ત્રણ આધેડની માથામાં ગોળી ધરબીને હત્યા કરનાર સિરીયલ કીલરને પકડવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.
આ એસઆઈટી દ્વારા તપાસ બાદ રાની નામના એક વ્યંઢળ ઉપર શંકા સેવવામાં આવી છે જો કે હજુ સુધી તેનો કોઈ પતો લાગ્યો નથી ત્યારે હત્યા અંગે માહિતી આપનારને યોગ્ય ઈનામ આપવાની પણ પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો એસઆઈટીમાં રહેલી એલસીબી અને એસઓજીની સાથે અડાલજ પોલીસના જવાનો મળી રોજના ૧૦૦થી વધુ પોલીસ જવાનો સવારથી જ સાંજ સુધી અડાલજ પંથકમાં પેટ્રોલીંગ કરી રહયા છે અને બાતમીદારોને સક્રિય કરી આ હત્યારાની માહીતી મેળવી રહયા છે પરંતુ હજુ સુધી કોઈ સચોટ કડી પોલીસને મળી આવી નથી. પોલીસને હત્યારો પકડવાની સાથે કોઈ વધુ ઘટના ના બની જાય તેવી પણ ચિંતા સતાવી રહી છે. પોલીસે શકમંદ વ્યક્તિઓની પુછપરછ કરવાની સાથે અડાલજ વિસ્તારમાં કોમ્બીંગ પણ કર્યું હતું પરંતુ આ સિરીયલ કિલરને પકડવામાં કોઈ જ સફળતા હાથ લાગી નથી.

