ફર્ગ્યુસને ત્રણ અને ટોડ એસ્ટલ તેમજ નીશમે બે-બે વિકેટ ઝડપ્યા બાદ ગપ્ટિલે ૧૧૮ રનની ઈનિંગ ફટકારતાં ન્યુઝીલેન્ડે સતત બીજી વન ડેમાં બાંગ્લાદેશને હરાવીને ત્રણ મેચની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડે ૮૩ બોલ બાકી હતા, ત્યારે ૮ વિકેટથી જીત હાંસલ કરી લીધી હતી. બાંગ્લાદેશ માત્ર ૨૨૬ રનમાં ખખડયું હતું. જ્યારે ન્યુઝીલેન્ડે ૩૬.૧ ઓવરમાં બે વિકેટે ૨૨૯ રન કરતાં વિજય હાંસલ કર્યો હતો.
માર્ટિન ગપ્ટિલે સતત બીજી મેચમાં સદી ફટકારી હતી, જે વિજયી સાબિત થઈ હતી. હવે શ્રેણીની ત્રીજી અને આખરી વન ડે તારીખ ૨૦મી ફેબુ્રઆરીને બુધવારે પરોઢે ૩.૩૦ વાગ્યાથી શરૃ થશે.
જીતવા માટેના ૨૨૭ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ન્યુઝીલેન્ડ તરફથી ગપ્ટિલે ૮૮ બોલમાં ૧૪ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૧૧૮ રન ફટકાર્યા હતા. તેણે નિચોલ્સ (૧૪) સાથે ૪૫ અને વિલિયમસન (૬૫*) સાથે ૧૪૩ રનની ભાગીદારી કરી હતી. વિલિયમસન અને ટેલરની જોડીએ ટીમને અણનમ ૪૪ રનની ભાગીદારી કરતાં ટીમને જીતાડી હતી. અગાઉ ટોસ ગુમાવીને બેટીંગમાં ઉતરેલા બાંગ્લાદેશે ૯૩ રનમાં ૫ વિકેટ ગુમાવી હતી. જોકે મિથુન (૫૭) અને શબ્બીર (૪૩)ની જોડીએ ૭૫ રનની ભાગીદારી કરતાં ટીમને સન્માનજનક સ્કોર તરફ આગળ ધપાવી હતી.

