મોદી-ઇમરાન ખાન વચ્ચે કેટલી મિનિટની મુલાકાત થઇ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) શિખર સંમેલનના સમાપન બાદ શનિવાર સવારે એટલે કે આજે ભારત પહોંચ્યા. આ શિખર સંમેલનમાં તેમણે વૈશ્વિક સુરક્ષા સ્થિતિ આર્થિક સહયોગ, લોકોની વચ્ચે સંપર્ક અને આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય મહત્વના મુદ્દા પર ચર્ચા કરી. પરંતુ બધાની નજર પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થશે કે નહીં તેના પર હતી.

કિર્ગિસ્તાનમાં યોજાયેલા સંમેલનમાં મોદી અને ઇમરાન ખાન બે દિવસની અંદર 9 કલાક સુધી એક જ રૂમમાં હતા. જો કે બંને વચ્ચે કોઇ ઉલ્લેખનીય વાતચીત થઇ નહીં. બંને નેતા કેમેરાની નજરોથી દૂર થોડીક મિનિટો માટે લોન્જમાં મળ્યા.બંને એ એકબીજાનું અભિવાદન ઝીલ્યું અને હાથ મિલાવ્યા.

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીને પૂછવામાં આવ્યું કે બંને પ્રધાનમંત્રીઓએ કેટલો સમય સથે પસાર કર્યો? તેના જવાબમાં કુરૈશી એ અગ્રણી મીડિયાને જવાબ આપ્યો કે મારી પાસે સ્ટોપ વોચ નહોતી.

કુરૈશી પહેલાં વ્યક્તિ હતા જેમણે બંને નેતાઓની મુલાકાતની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે બંને નેતાઓએ એક બીજાનું અભિવાદન કર્યું અને હાથ મિલાવ્યા. તેમના મતે ખાને પીએમ નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં મળેલી જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.

આ સંમેલનમાં પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન પણ પહોંચ્યા હતા. પુલવામા એટેક અને બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ ઉભા થયેલા તણાવના લીધે પીએમ મોદી અને ઇમરાન ખાનની મુલાકાત પર આખી દુનિયાની નજર હતી.

બીજીબાજુ ભારત સરકારના સૂત્રોએ કહ્યું કે લોન્જમાં આ મુલાકાતમાં ‘પીએમ મોદી એ ઇમરાન ખાનનું ઔપચારિક અભિવાદન ઝીલ્યું.’ જો કે ઓફિસરોએ સ્પષ્ટતા કરી કે બંનેની વચ્ચે અલગથી કોઇ બેઠક થઇ નથી. આની પહેલાં ગુરૂવારના રોજ જ્યારે પીએમે ચીની રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત કરી તો મોદીએ કહ્યું કે તેમણે પાકિસ્તાનની સાથે શાંતિ માટે પ્રયાસ કર્યા છે. મોદીએ ચીની રાષ્ટ્રપતિને કહ્યું કે પાકિસ્તાનને ‘આતંકવાદ મુક્ત માહોલ’ બનાવાની જરૂર છે. જો કે અત્યારે ભારતને પાકિસ્તાનની તરફથી આમ કરતાં દેખાયા નથી.