બિહારમાં મગજના તાવથી મૃતકોમાં બાળકોની સંખ્યા 84 થઈ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

બિહારના મુઝફ્ફરપુરમાં મગજના તાવથી મૃત થતાં બાળકોની સંખ્યા વધી રહી છે. આ મહામારી સમાન તાવના કારણે શનિવારની રાત સુધીમાં 80 જેટલાં બાળકોના મોત થાય હતાં અને રવિવારે સવારે બીજા ચાર બાળકોએ અંતિમ શ્વાસ લીધા છે. હમણાં સુધીમાં ચમકી-તાવના કારણે 84 બાળકોના મોત થઈ ગયા છે. રવિવારે ચાર બાળકોના મોત એવા સમયે થયાં, જ્યારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન પરિસ્થિતિનો તાગ મેળવવા બિહાર પહોંચ્યા હતાં.

અક્ટૂય ઈન્સેફલાઈટિસ સિંડ્રોમ(એઈએસ) અર્થાત ચમકી-તાવથી પીડિત દર્દીઓની હાલત હજુયે ગંભીર છે. તમામ પીડિતોને હાલ તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ મુઝફ્ફરપુર પહોંચેલા કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન અક્ટૂય ઈન્સેફલાઈટિસ સિંડ્રોમ(એઈએસ)ના પ્રકોપ બાદ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યાં છે.

ડો.હર્ષવર્ધને શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લીધી અને તબીબો સાથે વાતચીત કરી હતી. મેડિકલ કોલેજે રવિવારે ત્રણ વધુ બાળકોના મોતની પુષ્ટિ કરી છે. આ દરમિયાન બિહાર સરકારના મંત્રી સુરેશ શર્માએ એઈએસથી થતાં મોત સંદર્ભે કહ્યું કે, રાજ્ય સરકાર શરુઆતથી જ આ બિમારી સંદર્ભે કામ કરી રહી છે. દવાઓની કોઈ કમી નથી.જોકે, વર્તમાન પરિસ્થિતિના કારણે બેડ અને આઈસીયુની કમી છે.