બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનને હાઈકોર્ટની લીલીઝંડી, 4 ગણું વળતર આપવાની ખેડૂતોની માંગ ફગાવી, ખેડૂતો સુપ્રીમમાં જશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને ગુજરાત હાઈકોર્ટે લીલીઝંડી આપી દીધી છે. હાઈકોર્ટે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી 4 ગણું વળતર આપવાની માગ ફગાવી દીધી છે. આ મામલે જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે ચુકાદો આપ્યો છે. તેમજ વળતરનો મુદ્દો કોર્ટે ખુલ્લો રાખ્યો છે. હાઈકોર્ટે આંતરરાજ્ય પ્રોજેકટ હોવા છતાં પણ કેન્દ્ર સરકારને ઓથોરિટી ગણાવી છે. આ ચુકાદાને ખેડૂતો હવે સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

જંત્રી મુજબના ભાવથી ખેડૂતોને નુકસાનઃ ખેડૂતોના વકીલ

આ અંગે અરજદાર ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, હાઈકોર્ટમાં 1000થી વધુ ખેડૂતોએ પિટિશન કરી હતી. ખેડૂતોની રજૂઆત હતી કે જમીન અમારી જીવાદોરી છે, તમે અમારા જીવનનું સંપાદન કરી રહ્યાં છો તો વર્તમાન બજારના ભાવ મુજબ અમને 4 ગણું વળતર આપો. હાઈકોર્ટમાં હાર થઈ છે પણ લડાઈ બાકી છે. ખેડૂતો સુપ્રીમ કોર્ટથી લઈને કોર્ટની બહાર પણ લડી લેશે. જંત્રી મુજબના ભાવથી ખેડૂતોને નુકસાન.આજે જમીનના ભાવો વધ્યા છે.ખેડૂતો આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં જશે.

ખેડૂતોની શું માગ હતી
ખેડૂતોની માગણી હતી કે, વળતરની રકમ 2011 નક્કી કરેલા જંત્રી મુજબ નહીં પણ હાલ માર્કેટમાં ચાલી રહેલા જે તે વિસ્તારની જમીનના ભાવ પ્રમાણે હોવી જોઈએ. તેમજ વળતરની રકમ કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ ચૂકવવામાં આવે ગુજરાત રાજ્ય સરકારના જમીન સંપાદન કાયદા મુજબ નહીં.આમ હાઈકોર્ટના આ ચુકાદાને કારણે ખેડૂતોને બજાર કિંમત કરતા ઓછી રકમનું વળતર ચૂકવવામાં આવશે.

અડધી જમીન સંપાદિત થઈ ગઈ, પ્રોજેકટ ડિસેમ્બર 2023માં પુરો થશે
NHSRCL(નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.)ના ડાયરેકટર મુજબ, ટ્રેનના રૂટ માટે ગુજરાતના 5300થી વધુ પ્લોટની જમીન સંપાદીત કરવામાં આવશે, જેમાં 2600 જેટલા પ્લોટ એટલે કે અડધી જમીન સંપાદિત થઈ ગઈ છે. બાકીની જમીન માટે કામગીરી ચાલુ છે. બુલેટ ટ્રેનનો સમગ્ર પ્રોજેકટ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. સાબરમતીથી મુંબઈ સુધીનું અંદાજીત ભાડું રૂ.3000 જેટલું હોય શકે છે. સિવિલ વર્ક માટે પણ આગામી મહિનામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ જશે. ચાર પાંચ મહિનામાં પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે.

જમીન સંપાદીત કરવા માટે રૂ. 17000 કરોડ ખર્ચવામાં આવ્યા
NHSRCL(નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.)ના ડાયરેકટર મુજબ, મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ(સીએસટી)થી અમદાવાદના સાબરમતી જંકશન સુધી દોડનારી બુલેટ ટ્રેનનો કુલ ખર્ચ 1 લાખ કરોડથી વધુ થશે. જેમાં જમીન સંપાદીત કરવા માટે રૂ. 17000 કરોડ ખર્ચવામાં આવ્યા છે. બુલેટ ટ્રેનના રૂટમાં ગુજરાતમાં 158 ગામોની જમીન સંપાદીત કરવામાં આવી છે, જેમાં માત્ર 15 ગામની જમીનમાં જ જંત્રીના ભાવને લઈ તકલીફ પડી છે.