બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. નોઈડામાં પોતાના ભાઈ અને ભાભીની કથિત બેનામી સંપત્તિ જપ્ત કરી લેવાથી નારાજ માયાવતીએ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપે લોકસભાની ચૂંટણીમાં આવી બેનામી સંપત્તિની મદદથી જ વિજય મેળવ્યો છે. તેથી સૌપ્રથમ તો તેમણે આ અંગે ખુલાસો કરવો જોઈએ કે ચૂંટણી જીતવા માટે તેઓ આટલી સંપત્તિ લાવ્યા ક્યાંથી.
માયાવતીએ પત્રકારોને કહ્યું કે જ્યારે દલિત અને પછાત વર્ગનો કોઈ વ્યક્તિ સફળતા મેળવે છે તે જોઈને ભાજપ સરકારના લોકોને ખૂબ જ પેટમાં દુ:ખે છે. પછી ભલેને તેઓ સત્તા અને સરકારી મશિનરીનો ઉપયોગ કરીને ખોટા કામ કરતા હોય. ભાજપ સરકારે બીજા પર આંગળી ચિંધતા પહેલા અને બીજા પર કાર્યવાહી કરતા પહેલા પોતાની અંદર જોવું જોઈએ.
ભાજપ પર પ્રહાર કરતા માયાવતીએ કહ્યું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ સભ્ય અથવા તો પાર્ટી સાથે સંબંધીત કોઈ વ્યક્તિ જો રાતોરાત ધનવાન બની જાય તો તેમાં તેમને કોઈ વાંધો નથી. પરંતુ અમારી પાર્ટી કે અન્ય કોઈ પાર્ટીના સભ્યો સારું કામ કરે અથવા સફળતા મેળવે તો તેનાથી ભાજપના પેટમાં તેલ રેડાય છે. અમારા સમાજનું કોઈ વ્યક્તિ કંઈક સારું કામ કરે અને સફળ થાય તો ભાજપ સરકાર અમારા પર સરકારી મશિનરીનો દુરૂપયોગ કરે છે જે ખરેખર શરમજનક છે.
ગુરૂવારે જ માયાવતીએ સરકાર પર પ્રહાર કરતા ટ્વીટ કર્યું હતું કે ‘ભાજપ કેન્દ્રની સત્તાનો હજી પણ દુરૂપયોગ કરી રહ્યું છે. તેઓ વિપક્ષો પર ષડયંત્ર રચીને જબરજસ્તીથી બનાવટી મામલાઓ હેઠળ ફસાવી દઈને તેમના પર ત્રાસ ગુજારવા લાગે છે. જેમાં હવે મારા ભાઈ-ભાભી અને બહેનોનો પણ સમાવેશ થઈ ગયો છે. પરંતુ ભાજપ યાદ રાખે કે તેમના આવા ત્રાસથી બીએસપી ન તો ડરી જશે કે ન તો હાર સ્વીકારશે. આવી જ શરમજનક કરતૂત આ જ પાર્ટીની સરકારે વર્ષ 2003માં પણ કરી હતી. ત્યારે આવક વેરા વિભાગ અને સીબીઆઈ વગેરે દ્વારા અમારા વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું જેમાં આખરે અમારો વિજય થયો હતો અને સુપ્રીમ કોર્ટમાં અમને ન્યાય મળ્યો હતો.’

