ભાજપના સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તે ગુરુવારે આર્થિક મંદી અંગે વિપક્ષના આરોપો પર પલટવાર કરતા લોકસભામાં જણાવ્યું કે, દેશને બદનામ કરવા માટે ઓટો ક્ષેત્રમાં મંદી અને વેચાણમાં ઘટાડો થયા હોવાની વાતો કરવામાં આવી રહી છે. તેમણે સવાલ કર્યો કે, ઓટો ક્ષેત્રમાં મંદી છે તો એક-એક ઘરમાં અનેક ગાડીઓ છે અને રોડ પર ટ્રાફિક જામ કેમ છે?
વીરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, જણાવવામાં આવી રહ્યું છે કે ઓટો ક્ષેત્રમાં ખરીદીમાં ઘટાડો થયો છે. આ દેશને બદનામ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. જો ઓટો ક્ષેત્રમાં ખરીદીમાં ખરેખર ઘટાડો થયો છે તો રોડ પર ટ્રાફિક જામ કેમ છે? આજે એક-એક ઘરમાં અનેક ગાડીઓ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડુંગળી મોંઘી થઈ હોવાની વાતો કરવામાં આવી રહી છે, મારા સંસદીય ક્ષેત્ર (બલિયા)ના મોહમદાબાદમાં આવો હું તમને 25 રૂપિયા પ્રતિ કિલોના દર પર એક ટ્રક ડુંગળી અપાવીશ. લોકો જીડીપીની વાતો કરે છે પરંતુ ગ્રામીણ અર્થવ્યવસ્થા આ ધોરણે નક્કી થઇ શકે નહીં. ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત છે કેમકે તે શ્રમ આધારિત છે અને ત્યાં બચતની પરંપરા છે. આજે ગામડાઓ અને નગરોમાં જઇને જોઇ શકાય છે કે લોકો મોટા પ્રમાણમાં નાણાં જમા કરાવી રહ્યા છે.

