ઉન્નાવ / પીડિતાના પિતાએ કહ્યું- જેને દીકરો સમજીને ઘરે આવવા દીધો, તેણે જ દીકરી પર રેપ કરીને બ્લેકમેલીંગ કર્યું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

માત્ર બે દિવસ પહેલા જ જામીન પર છૂટેલા ગેંગરેપના આરોપીઓએ ગુરૂવારે પીડિત યુવતીને સળગાવી નાખી હતી. યુવતીની હાલત અત્યંત ગંભીર છે. તે 90 ટકા દાઝી ગઇ છે અને તેને એરલિફ્ટ કરીને દિલ્હી લઇ જવામાં આવી છે. ઘટના બાદ યુવતીના પિતાએ જણાવ્યું કે જેને દીકરો સમજીને ઘરે આવવાની મંજૂરી આપી હતી તેણે જ દીકરી સાથે દુષ્કર્મ કર્યું અને વીડિયો બનાવી લીધા. ત્યાર બાદ આ વીડિયોના જોરે મારી દીકરી પર બળજબરી કરતો રહ્યો.

પિતાની જુબાને સમગ્ર કહાણી
આ સમગ્ર મામલો વર્ષ પહેલા શિવમના ઘરે આવવાથી શરૂ થયો હતો. તેણે મારી દીકરીને પહેલા ફસાવી અને પછી એક દિવસ રાયબરેલી લઇ ગયો. ત્યાં તેણે મારી દીકરી સાથે દુષ્કર્મ કર્યું અને મોબાઇલથી વીડિયો બનાવી લીધો. પછી વીડિયો વાયરલ કરવાની ધમકી દઇને બ્લેકમેલ કરવા લાગ્યો. તેણે મારી દીકરીને માનસિક યાતના આપી. શિવમ મારા ગામનો જ દીકરો છે, અને ભરોસામાં અમે તેને અમારા ઘરે આવવા દીધો. શિવમ એક દિવસ મારી દીકરીને ભગાડીને લઇ ગયો અને 2 મહિના સુધી રાયબરેલીમાં રહ્યો. ત્યારબાદ દીકરીને ઘરે છોડી ગયો. જ્યારે અમને આખી વાતની ખબર પડી તો અમે લગ્ન માટે કહ્યું. પરંતુ મામલો નિપટાવવાની જગ્યાએ તે લોકો અમને જ ધમકાવવા લાગ્યા. શિવમ મારી દીકરી પર નજર રાખતો હતો અને ઘરેથી એકલી બહાર પણ જવા નહોતો દેતો. તે મારપીટ અને બળજબરી કરતો હતો. ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તંગ થઇને મારી દીકરી તેના ફઇબાના ઘરે રાયબરેલી જતી રહી. શિવમને જ્યારે આ વાતની ખબર પડી તો તે ત્યાં પણ પહોંચી ગયો. તેણે મારી દીકરીને લગ્નની લાલચ આપીને વિશ્વાસમાં લીધી અને તેના મિત્રો સાથે હથિયારના જોર પર ગેંગરેપ કર્યો અને ભાગી ગયો. તે દિવસથી દીકરી તૂટી ગઇ હતી. તેણે આખી વાત તેની ફોઇને કહી. અમે રાયબરેલીમાં ફરિયાદ કરી પરંતુ સુનવણી થઇ નહીં. એસપી પાસે પોસ્ટથી ફરિયાદ દાખલ કરાવી ત્યારે પણ કંઇ ન થયું. ઘણી ભાગમભાગ બાદ 5 માર્ચ 2018ના ફરિયાદ દાખલ થઇ શકી હતી.

ગેંગરેપના મામલામાં પોલીસે કોર્ટના આદેશ પર બે આરોપી શિવમ અને શુભમની ધરપકડ કરી હતી. ત્યારબાદથી બન્ને જેલમાં હતા. 3 ડિસેમ્બરે જ્યારે તેઓ જામીન પર બહાર આવ્યા તો પીડિતાને સળગાવી દીધી હતી. આ મામલામાં પોલીસે શિવમ, તેના પિતા રામકિશોર, શુભમ, હરિશંકર અને ઉમેશ વાજપેયીની ધરપકડ કરી છે.