કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદો (સીએએ)ના સમર્થનમાં ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં એક જાહેરસભા યોજી હતી. આ સભામાં તેમણે ભાષણની શરૂઆત ‘ભારત માતા કી જય’ના સૂત્રો સાથે કરી હતી. સભામાં અમિત શાહે સમાજવાદી પાર્ટી (સપા), કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી (બસપા), તૃમણૂલ કોંગ્રેસ (ટીએમસી)ને નાગરિકતા કાયદાને લઈને થઈ રહેલી હિંસા બદલ જવાબદાર ઠેરવ્યા હતા.
ગૃહ મંત્રીએ જણાવ્યું કે, ‘સીએએ વિરુદ્ધ પ્રચાર થઈ રહ્યો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશના મુસ્લિમો નાગરિકતા ગુમાવશે. મમતા દીદી, અખિલેશ યાદવ જાહેરમાં ચર્ચા કરવા સ્થળ પસંદ કરી લો, અમારા તરફથી સ્વતંત્ર રીતે ચર્ચાની તૈયારી છે. સીએએની કોઈપણ કલમ, મુસ્લિમોને છોડો, લઘુમતિ પણ નહીં પરંતુ કોઈપણ વ્યક્તિની નાગરિકતા છીનવી શકતી હોય તો મને બતાવો.’
જેએનયુ મુદ્દે શાહ ગરજ્યા
અમિત શાહે જણાવ્યું કે, ‘નેહરુજીએ કહ્યું હતું કે કેન્દ્રીય રાહત ભંડોળનો ઉપયોગ શરણાર્થીઓને રાહત આપવા માટે કરવો જોઈએ. તેમને નાગરિકતા આપવા જે કંઈ કરવું પડે તે થવું જોઈએ, પરંતુ કોંગ્રેસે કંઈ જ કર્યું નહીં. બે વર્ષ અગાઉ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ની અંદર દેશ વિરોધી સૂત્રો પકોરાયા હતા. હું લોકોને પૂછવા માંગુ છું કે જે ભારત માતાના ટુકડા કરવાની વાત કરે, તેને જેલમાં ધકેલવા પડે કે નહીં. મોદીજીએ તેમને જેલમાં ધકેલ્યા અને આ રાહુલ એન્ડ કંપની કહે છે કે આ વાણી સ્વતંત્રતાનો અધિકાર છે.’
ગૃહ મંત્રીએ વધુમાં કહ્યું કે, ‘પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન…જ્યાં ભારતના ભાગલા પછી કરોડો હિન્દુઓ રહી ગયા, શીખો, ખ્રિસ્તીઓ, જૈન, બૌધ, પારસીઓ આ દેશોમાં રહ્યા. મે તેમનું દર્દ જાણ્યું છે. મહાત્મા ગાંધીની જયંતિ પર એક હજાર માતા-બહેનો સાથે બળાત્કાર કરવામાં આવે છે, તેમના બળજબરી નિકાહ કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં મંદિરો-ગુરુદ્વારાઓ તોડવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં આકાશને આંબતી મૂર્તિને તોપના ગોળા વડે તોડી પાડવામાં આવે છે.’
‘નાગરિકતા કાયદો કોઈ કાળે પરત નહીં લેવાય’
અમિત શાહે જણાવ્યું કે, ‘હું આજે ખોખારીને કહું છું કે જેને વિરોધ કરવો હોય કરે, સીએએ પરત નહીં લેવામાં આવે. હું વોટ બેન્કના લોભી નેતાઓને કહેવા માંગુ છું, તમે આ લોકોના કેમ્પમાં જઈને જુઓ, કાલ સુધી જે સો-સો હેક્ટરન માલિક હતા, તેઓ આજે એક નાનકડી ઝુપડીમાં પરિવાર સાથે ભીથ માંગીને જીવન વિતાવી રહ્યા છે.’
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે, ‘કોંગ્રેસના પાપને લીધે ધર્મના આધારે ભારતમાં બે ભાગ થયા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં લઘુમતીઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટત રહી. આ લોકો ક્યાં જતા રહ્યા. કેટલાક લોકોને મારી નાંખવામાં આવ્યા, કેટલાકનું બળજબરી ધર્માંતરણ કરાયું. ત્યારથી શરણાર્થીઓનો ભારતમાં આવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. નરેન્દ્ર મોદીએ વર્ષોથી સતાવાયેલા આવા લોકોને તેમના જીવનનો નવો અધ્યાય શરૂ કરવા તક આપી છે.’