શહેરનું મોટેરા સ્ટેડિયમ છેલ્લા સાડા ત્રણ દાયકાથી વિવિધ વર્લ્ડ રેકોર્ડ માટે જાણીતું હતું અને હવે તેનું પુનઃનિર્માણનું કાર્ય પૂર્ણતાને આરે છે ત્યારે સવા લાખ પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા ધરાવતા સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમનું ઉદઘાટન પણ ભવ્ય રીતે થવા જઈ રહ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં વિશ્વના આ સૌથી મોટા સ્ટેડિયમનું ઉદઘાટન થાય તેવી પૂરી શક્યતા છે.
ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ધરાવતું હતું પરંતુ તેની ક્ષમતા એક લાખ જેટલી હતી જ્યારે થોડા વર્ષ અગાઉ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખપદે નરેન્દ્ર મોદી અને ત્યાર બાદ અમિત શાહ હતા ત્યારે તેમણે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદી પ્રેક્ષકોને મળે તેવી યોજના સાથે મોટેરા સ્ટેડિયમના પુનઃનિર્માણની કામગીરી હાથ ધરી હતી. હવે સ્ટેડિયમ લગભગ તૈયાર થઈ રહ્યું છે ત્યારે ઇતિહાસ રચવા માટે જાણીતા મોટેરા સ્ટેડિયમ પર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉદઘાટન કરીને નવો ઇતિહાસ રચશે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસે આવનારા છે અને આ સમયે તેઓ ગુજરાતની પણ મુલાકાત લેવાના છે ત્યારે આ યોગાનુયોગને અવસરમાં બદલીને સજ્જ થઈ ગયેલા લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન થોડા દિવસ વહેલું કરી શકાય તેવી શક્યતા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ સ્ટેડિયમના ઉદઘાટન માટે એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચે એક પ્રદર્શન મેચ રમાડવાની યોજના ઘડી રહ્યું છે. માર્ચ મહિનામાં એશિયન ઇલેવન અને વર્લ્ડ ઇલેવન બાંગ્લાદેશમાં બે મેચ રમનારી છે ત્યારે ત્રીજી મેચ મોટેરામાં યોજાય તેવી ગણતરી હતી. બીસીસીઈના નવા પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે તાજેતરમાં જ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પરિમલ નથવાણી અને વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી સહિતના અધિકારીઓ સ્ટેડિયમની સતત મુલાકાત લેતા રહે છે અને તેમની દેખરેખ હેઠળ કામકાજ જોરશોરથી ચાલી રહ્યું છે.
જાન્યુઆરી 2017થી સ્ટેડિયમના બાંધકામનો પ્રારંભ થયો હતો. અગાઉ 1983માં બનેલા સ્ટેડિયમની ક્ષમતા 49000 પ્રેક્ષકોને સમાવવાની હતી જ્યારે નવા બનેલા સ્ટેડિયમમાં કમસે કમ 1.10 લાખ પ્રેક્ષકો સમાવી શકાશે. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર ક્રિકેટજગત આ સ્ટેડિયમ બની જાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. મેલબોર્ન સ્ટેડિયમ એક લાખ પ્રેક્ષકોને સમાવી શકે છે જ્યારે મોટેરા સ્ટેડિયમ અત્યંત આધુનિક સવલતથી સજ્જ કરાયું છે અને તેમાં સવા લાખ પ્રેક્ષકો સમાવી શકાશે.
63 એકરમાં પથરાયેલા સ્ટેડિયમની નજીકમાં જ 50 રૂમ ધરાવતા ક્લબહાઉસ અને સ્વિમિંગ પુલ ઉપરાંત ફર્સ્ટ ક્લાસ મેચ માટે અન્ય એક ગ્રાઉન્ડ પણ તૈયાર થશે તો મુખ્ય સ્ટેડિયમમાં 76 જેટલા કોર્પોરેટ બોક્સની વ્યવસ્થા હશે. વિશ્વના કોઈ સ્ટેડિયમમાં આટલી જંગી સંખ્યામાં કોર્પોરેટ બોક્સ નથી.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઇસીસી)એ પણ તાજેતરમાં જ આ સ્ટેડિયમની ઝલક રજૂ કરતી તસવિરો ટ્વિટર દ્વારા શેર કરી હતી.
આ જંગી સ્ટેડિયમ પાછળ ખર્ચ પણ જંગી રકમનો થયો છે. અંદાજે 700 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સ્ટેડિયમને ચારે તરફથી કવર કરાશે અને સ્ટેડિયમમાં કોઈ પણ ખૂણેથી મેચ નિહાળનારા ક્રિકેટપ્રેમીને એક સમાન લહાવો મળે તેવી રીતે તેની રચના કરવામાં આવી છે.
સ્ટેડિયમના બાંધકામ બાદ હાલમાં તેની પિચ અને ગ્રાઉન્ડ બનાવવા માટેની તૈયારી થઈ રહી છે. ગ્રાઉન્ડમાં લાલ અને કાળી માટીની મિશ્રણ ધરાવતી 11 પિચો બનાવવામાં આવશે. આ પિચો ત્રણ અલગ અલગ પ્રકારની હશે જેમાં બાઉન્સી પિચ, સ્પિનર્સને યારી આપે તેવી પિચ અને સ્પોર્ટિંગ વિકેટનો સમાવેશ થશે. મેચ અને ટીમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પિચો તૈયાર કરાશે.

