લોકસભા ચૂંટણી 2019 : નરેન્દ્ર મોદીનો રાજીવ ગાંધી ઉપરનો હુમલો તેમની હતાશાનું પ્રતીક

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભા ચૂંટણી પરિણામ આવવાને આડે ત્રણ અઠવાડિયાથી પણ ઓછો સમય વધ્યો છે. પચાસ ટકા કરતાં વધુ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ ગઈ છે. સત્તા ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પુનરાગમન સંદર્ભે અનેક સરવે આવી ગયા છે અને ચૂંટણી પરિણામની રાહ જોયા વગર જ ‘આવશે તો મોદી જ’ જેવી વાતો વહેતી થઈ ગઈ છે. પાંચમા તબક્કાની ચૂંટણી પૂર્વે ઉત્તર પ્રદેશના બસ્તી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી ભાષણ વિશે વિવાદ ઊભો થયો છે. મોદીએ તેમના ભાષણમાં કહ્યું, “તમારા પિતાજીને તમારા રાગ દરબારીઓએ ‘મિસ્ટર ક્લીન’ બનાવી દીધા હતા.” “વાજતે ગાજતે ‘મી. ક્લીન, મી. ક્લીન’ એવી વાતો થતી. પરંતુ જોતજોતામાં ‘ભ્રષ્ટાચારી નંબર વન’ તરીકે તેમનું જીવન સમાપ્ત થઈ ગયું.”

અમિત શાહ પણ ગાંધી પરિવાર ઉપર નિશાન સાધતા રહે છે. કહેવાય છે કે ‘પ્રેમ અને જંગમાં બધું વ્યાજબી છે.’ ત્યારે ભારતની લોકસભા ચૂંટણીના આગામી તબક્કા યુદ્ધમાં પરિવર્તિત થતાં જણાય રહ્યાં છે. કમ સે કમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે તો ચૂંટણીને રણભૂમિમાં ફરેવી દીધી છે. અને બધું વ્યાજબી હોય….તો એવા શખ્સ ઉપર પણ કાદવ ઉછળી શકે છે, જે જવાબ આપવા માટે હાજર નથી.

આ પ્રકારના નિવેદનને કારણે વડા પ્રધાનપદની ગરિમા ઉપર સવાલ ઊભા થાય તો ભલે થાય.

નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં ભારતીય લોકશાહીમાં પ્રભાવક સંસ્થાઓની ગરિમાને નુકસાન પહોંચાડવાના ઉદાહરણ તાજેતરના સમયમાં વધી ગયાં છે. ચૂંટણીપંચે એક પછી એક સાતત કિસ્સામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી છે. જેની સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે. આ પહેલાં મોદી સરકાર ઉપર વિપક્ષ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, સીબીઆઈ, સીવીસી અને આઈબીનો દુરુપયોગ કરવાના આરોપ લાગ્યા હતા.