પૂર્વ પીએમ મનમોહન સિંહે રવિવારે ભારતીય અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહી હોવાની આશંકા જતાવતા મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. એટલું જ નહિ, તેમણે પીએમ મોદી પર પુલવામા હુમલા બાદ પેદા થયેલ હાલાતથી નિપટવામાં તેમના કમિટમેન્ટને લઈને પણ મોટો આરોપ લગાવ્યો છે. તેમણે મોદીની પાકિસ્તાન વિરોધી નિતીઓ પર પણ સવાલ ઉઠાવ્યા.
મોદીના કાર્યકાળ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો બોલતાં મનમોહન સિંહે કહ્યું કે પાછલા પાંચ વર્ષમાં દેશમાં અકાપ્નીય રીતે ભ્રષ્ટાચાર થયો છે. તેમણે ફરી એકવાર દાવો કર્યો છે કે નોટબંધી આઝાદ ભારતનું સૌથી મોટું કૌભાંડ હતું. મનમોહન સિંહે એમ પણ દાવો કર્યો કે યૂપીએ સરકાર તપાસ માટે તૈયાર રહેતી હતી. તેમણે પીએમ મોદીની સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો પર રહસ્યપૂર્ણ અને બિનજવાબદાર વલણ અપનાવવાનો આરોપ પણ લગાવ્યો છે.
રાષ્ટ્રવાદને ભાજપે ચૂંટણી એજન્ડામાં પ્રમુખતાથી ઉઠાવવાને લઈને પણ તેમણે એમ કહીને પ્રહાર કર્યો કે, ભાજપ દરરોજ એક નવો નેરેટિવ શોધી રહ્યું છે. આનાથી રાષ્ટ્રીય સુરક્ષાને લઈ તેમના દેવાળિયાપણાની ખબર પડે છે. મનમોહન સિંહે મોદી સરકારની પાકિસ્તાન પૉલિસી પર પણ આકરો પ્રહાર કરવાની કોશિશ કરી છે. તેમણે આને લાપરવહી અને વારંવાર બદલાવવાળી ગણાવી. તેમણે મોદી પર કટાક્ષ કર્યો કે તેઓ પહેલા બોલાવ્યા વિના જ પાકિસ્તાન ચાલ્યા ગયા અને પઠાણકોટ એરબેઝ પર આતંકી હુમલાની તપાસ માટે કપટી આઈએસઆઈને બોલાવી લાવ્યા.

