જૅટ ઍરવેઝના કર્મચારીઓનું વિરોધપ્રદર્શન, જાણો શું છે કારણ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નવી દિલ્હી: આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલી જૅટ ઍરવેઝના કર્મચારીઓએ પગારમાં થયેલા વિલંબના વિરોધમાં શનિવારે ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથકના ટર્મિનલ નંબર-3ની બહાર વિરોધપ્રદર્શન કર્યું હતું અને બાકી રહેલો પગાર ચુકવવાની માગણી કરી હતી.

શનિવારે માત્ર છથી સાત જ ઉડ્ડયન સેવા પૂરી પાડી શકેલી જૅટ ઍરવેઝે ધિરાણકર્તાઓને વચગાળાના સમય માટે વધુ ભંડોળ પૂરું પાડવા જણાવ્યું હતું.

નવું ભંડોળ આવતાની સાથે જ તેમની પગારની બાકી નીકળતી રકમની ચુકવણી કરી દેવામાં આવશે એવી આશા કર્મચારીઓ સેવી રહ્યા છે.

જૅટ ઍરવેઝના કર્મચારીઓ શનિવારે ગણવેશ પહેરીને મૌન વિરોધપ્રદર્શન કરવા ટર્મિનલ-3ની બહાર એકઠા થયા હતા.

‘સૅવ જૅટ ઍરવેઝ, સૅવ અવર ફ્યુચર’ અને ‘હીયર અવર ક્રાય, લૅટ 9ૂ ફ્લાય’ જેવા સૂત્રો ધરાવતા બૅનરો અને પૉસ્ટરો તેમણે હાથમાં પકડી રાખ્યા હતા. શુક્રવારે જૅટ ઍરવેઝના કર્મચારીઓએ મુંબઈમાં મૌન રેલી કાઢી હતી. ઉડ્ડયન ખાતાના સચિવ પ્રદીપસિંહ ખારોલાએ અગાઉ કહ્યું હતું કે શનિ-રવિવારે ઍરલાઈન્સ માત્ર છથી સાત ઉડ્ડયન સેવા આપશે.

ઍરલાઈન્સ જ્યારે તેની પૂરી ક્ષમતા સાથે કામ કરતી હતી ત્યારે 119 વિમાનસેવા આપતી હતી.

સોમવારે સ્ટેટ બૅંક ઑફ ઈન્ડિયા-એસબીઆઈના વડપણ હેઠળ ધિરાણકર્તાઓએ જૅટ ઍરવેઝના વ્યવસ્થાપકો સાથે બેઠક યોજી હતી.

જો મંજૂર કરવામાં આવશે તો વચગાળાનું ભંડોળ તેઓ કઈ રીતે વાપરશે તેની યોજના જૅટ ઍરવેઝનું મૅનેજમેન્ટ રજૂ કરશે.

જૅટ ઍરવેઝે ગુરુવારે તેની ઈશાન અને પૂર્વ ભારતની ઉડ્ડયન સેવા બંધ કરી હતી અને સોમવાર સુધી તેની ઈન્ટરનેશનલ સેવા પણ સસ્પેન્ડ કરી હતી.  પરિણામે અનેક પ્રવાસીઓ હવાઈમથક પર અટવાઈ ગયા હતા.