‘વન નૉટ, વન વૉટ’નું સૂત્ર આપનાર લખનઊથી લોકસભાની ચૂંટણી માટે નામાંકન કરનાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હમસકલ અભિનંદન પાઠકને ચૂંટણીપંચે કારણદર્શક નોટિસ ફટકારી હતી.
પાઠકે શુક્રવારે લખનઊથી પોતાનું નામાંકન દાખલ કર્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે મારું સૂત્ર ‘વન નૉટ, વન વૉટ’નું છે. હું વારાણસીથી પણ નામ દાખલ કરવાનો છું.
જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલરાજ શર્માએ જણાવ્યું હતું કે સૂત્ર આચારસંહિતાનો ભંગ કરતું અને મતદારોને લલચાવનારું જણાય છે. પાઠકને શુક્રવારે સાંજે નોટિસ ફટકારવામાં આવી હતી.
નોટિસમાં પાઠકને નોટિસ મળ્યાના 24 કલાકમાં જવાબ આપવા જણાવાયું હતું. જો જવાબ નહીં મળે તો કાયદાની યોગ્ય કલમ હેઠળ પાઠક સામે એફઆઇઆર દાખલ કરવામાં આવશે.
લખનઊની બેઠક માટે ભાજપ તરફથી ગૃહપ્રધાન રાજનાથસિંહ નામાંકન દાખલ કરવાના છે. એમને પડકાર્યા બાદ પાઠકે 26મી એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકારવા માટે વારાણસીની બેઠક માટે પોતાનું નામ દાખલ કરવાની વાત પત્રકારોને જણાવી હતી.
પાઠક મોદી જેવો દેખાય છે. એ કપડાં પણ એમના જેવા જ પહેરે છે અને બોલવામાં પણ મોદીની કોપી કરતા પોતાના વાક્યની શરૂઆત મિત્રો શબ્દથી કરે છે.
2014ની લોકસભાની ચૂંટણી વખતે પાઠક સહિત મોદીના અનેક હમસકલ દેશના વિવિધ ભાગોમાં ચૂંટણી પ્રચાર કરતા દેખાયા હતા.
પાઠક અગાઉ ભાજપની સહયોગી પાર્ટી આરપીઆઇ (આઠવલે)માં હતો, પણ ત્યાર બાદ એ કૉંગ્રેસમાં જોડાયો હતો અને એણે કૉંગ્રેસ માટે વિધાનસભાની ચૂંટણી માટે અનેક ઠેકાણે પ્રચાર કર્યો હતો.

