કોંગ્રેસ અને જેડીએસના 16 ધારાસભ્યોના રાજીનામા બાદ કર્ણાટકમાં સર્જાયેલો વિવાદ વધુ ચગ્યો છે. ગુરૂવારે વિધાનસભામાં વિશ્વાસ મતની પ્રક્રિયા હાથ ધરાવાની હતી, જોકે અચાનક રાજ્યપાલ વજુભાઇ વાળાએ સ્પીકર રમેશ કુમારને પત્ર લખીને કહ્યું કે આજે જ વિશ્વાસમત પ્રક્રિયાને હાથ ધરવામાં આવે.
વજુભાઇ વાળાના આ પત્રથી જેડીએસ અને કોંગ્રેસના ધારાસભ્યો રોષે ભરાયા હતા અને આરોપ લગાવ્યો હતો કે રાજ્યપાલ ભાજપના ઇશારે આ પત્ર લખીને સ્પીકર પર દબાણ બનાવી રહ્યા છે. આ વિવાદ એટલો ચગ્યો કે અંતે સ્પીકરે વિશ્વાસ મત પ્રક્રિયાને હાથ ધર્યા વગર જ વિધાનસભાની કાર્યવાહીને સ્થગીત કરી દેવી પડી હતી.
સ્પીકરે કાર્યવાહી સ્થગીત કરી દેતા હવે શુક્રવારે સવારે 11 કલાકે ફરી વિધાનસભા શરૂ કરવામાં આવશે. કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે વિધાનસભાની કાર્યવાહી કોઇ પણ પ્રકારના દબાણ કે દખલગીરી વગર જ હાથ ધરવાની હતી. રાજ્યપાલે આ કાર્યવાહીમાં દખલગીરી કરી છે, જે અમને સ્વીકાર્ય નથી.
જોકે બીજી તરફ ભાજપે દાવો કર્યો છે કે કોંગ્રેસ અને જેડીએસ બન્ને વિશ્વાસમત સાબીત કરવાથી દુર ભાગી રહ્યા છે. મુખ્ય પ્રધાન કુમારસ્વામી આ પહેલા વિધાનસભામાં વિશ્વાસમત પ્રસ્તાવ લાવ્યા હતા. દરમિયાન ગુરૂવારે વિધાનસભામાં 20 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા, જેમાં બળવાખોર ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે.
કુમારસ્વામીના વિશ્વાસમત મુદ્દે કોંગ્રેસે માગણી કરી હતી કે હાલ તેને ટાળી દેવામાં આવે કેમ કે એક તરફ પ્રદેશમાં રાજકીય સંકટ છે અને બીજી તરફ સુપ્રીમ કોર્ટે વ્હિપ મુદ્દે જે આદેશ આપ્યો છે તેને લઇને સ્પીકર કોઇ નિર્ણય ન લઇ લે ત્યાં સુધી વિશ્વાસમત પ્રસ્તાવને ટાળવો યોગ્ય રહેશે. કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે અવિશ્વાસમત પ્રસ્તાવને સ્વીકારીશું તો તે ગેરબંધારણીય રહેશે.
સ્પીકરે વ્હિપ અંગે નિર્ણય લેવાનો છે જે બાદ આગળ વધવું જોઇએ. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે જે 16 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેઓ ઇચ્છે તો વિધાનસભામાં ગેરહાજર રહી શકે છે, સાથે કોંગ્રેસે તેમને હાજર રહેવા માટે જે વ્હિપ જારી કર્યો છે તે અંગેનો નિર્ણય લેવા માટે સ્પીકર સ્વતંત્ર છે.
આ ઉપરાંત રાજીનામા સ્વીકારવા કે અયોગ્ય જાહેર કરવા સહીતનો નિર્ણય લેવાની છુટ પણ સ્પીકરને આપી દીધી છે. બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે વિશ્વાસમત પ્રક્રિયા હાથ ન ધરાય ત્યાં સુધી વિધાનસભાને છોડીશું નહીં, અમે આખી રાત અહીં રહીને જ પ્રદર્શન જારી રાખીશું.
ભાજપે અમારા ધારાસભ્યનું અપહરણ કર્યું : કોંગ્રેસની પોલીસમાં ફરિયાદ
કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત પ્રક્રિયા હાલ ટળી ગઇ છે અને શુક્રવારે ફરી તેના પર ચર્ચા કરવામાં આવશે. આ પરિસ્થિતિ વચ્ચે 20 જેટલા ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. જોકે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે અમારા ધારાસભ્યોનું અપહરણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસે દાવો કર્યો હતો કે અમારા ધારાસભ્ય શ્રીમંત પાટિલનો કોઇ જ સંપર્ક નથી થઇ રહ્યો, ભાજપે તેમનું અપહરણ કરી લીધુ છે.કોંગ્રેસ આ મામલે બાદમાં પોલીસ સમક્ષ ફરિયાદ પણ કરી હતી.
વિધાનસભાની વર્તમાન સ્થિતિ
વિધાનસભામાં કુલ 224 બેઠકો છે, જેમાં ભાજપ પાસે 105, અપક્ષની 2, કોંગ્રેસની 78, જેડીએસની 37, બસપાની 1 છે. બળવાખોરોના રાજીનામા સ્વીકારાય અથવા અયોગ્ય જાહેર થાય તો ભાજપ પાસે 105, અપક્ષના 2,જેડીએસના 34 અને કોંગ્રેસના 65 તેમજ બસપા પાસે એક ધારાસભ્ય રહેશે.

