સોનભદ્ર હત્યાકાંડના પીડિતોની મુલાકાતે જતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના કાફલાને સ્થાનિક પોલીસે રોક્યો છે. પ્રિયંકાના આ કાફલાને મિર્ઝાપુર અને વારાણસીની સરહદ પર રોકવામાં આવ્યો છે. તેથી નારાજ પ્રિયંકા ગાંધી સમર્થકો સાથે નારાયણપુરમાં ધરણા પર બેઠા. ત્યાર બાદ પોલિસે તેમની અટકાયત કરી છે.
આપને જણાવી દઈએ કે સોનભદ્રમાં 10 લોકોની હત્યા બાદ પ્રિયંકા ગાંધી પીડિત પરિવારોને મળવા માટે ત્યાં પહોંચ્યા હતા. પરંતુ સોનભદ્રની મુકાલાત દરમિયાન પ્રિયંકા ગાંધીનો કાફલો રોકવામાં આવ્યો અને તેમની અટકાયત કરવામાં આવી છે. આ પહેલા પ્રિયંકા ગાંધીએ વારાણસીના ટ્રોમા સેન્ટરમાં દાખલ સોનભદ્રની ઘટનામાં ઘાયલ થયેલ લોકો સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે,‘અમે માત્ર પીડિત પરિવારો સાથે મુલાકાત કરવા માંગીએ છીએ. મેં એમ પણ કહ્યું કે મારી સાથે માત્ર 4 લોકો હશે. તેમ છતાં પ્રશાસન અમને રોકી રહ્યું છે.’
મીડિયા રિપોર્ટ મુજબ પોલીસે પ્રિયંકા ગાંધીની અટકાયત કરી તેમને ચુનાર ગેસ્ટ હાઉસ લઈ ગઈ છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે,‘મને ખબર નથી કે ક્યાં લઈ જઈ રહ્યા છે. તે અમને જ્યાં પણ લઈ જશે અમે જવા માટે તૈયાર છીએ. પરંતુ ડરીશું નહીં.’
બીજી તરફ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોનભદ્ર હત્યાકાંડ પર દુ:ખ વ્યક્ત કરી પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. યોગીએ શુક્રવારે લખનૌ ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. દોષીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ હત્યાકાંડમાં 10 લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના માટે સીધે-સીધે કોંગ્રેસને જવાબદાર ગણાવી જોરદાર પ્રહાર કર્યા છે.
યોગીએ કહ્યું કે આ ઘટનાની શરૂઆત 1955માં થઈ હતી. જ્યારે કોંગ્રેસની સરકાર હતી. સોનભદ્રના વિવાદ માટે 1955 અને 1989ની કોંગ્રેસ સરકાર જવાબદાર છે. ઉપરાંત યોગીએ કહ્યું કે આ સંપૂર્ણ ઘટનામાં ગ્રામ પંચાયતની જમીનને 1955માં આદર્શ સોસાઇટીને સોંપવામાં આવી હતી. આ જમીન પર વનવાસી સમુદાયના લોકો ખેતી કરતા હતા. ત્યાર બાદ આ જમીનને 1989માં એક અન્ય વ્યક્તિના નામે કરવામાં આવી. 1955માં કોંગ્રેસની સરકાર હતી.
યોગીએ સોનભદ્ર મામલે વધુમાં કહ્યું કે આ મામલે અત્યાર સુધી કુલ 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે વારાણસી ઝોન એડીજી સંપૂર્ણ મામલે તપાસ કરી 10 દિવસમાં રિપોર્ટ સોંપશે. ઉપરાંત આ મામલે બેદરકારી કરનાર અધિકારી સીઓ, એસડીએમ, ઇંસ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.