કાંકરિયા રાઈડ દુર્ઘટનાના વિધાનસભામાં પડઘા, સરકારે ફરી ‘તબેલા’ને તાળા માર્યા, મૃતકોને 4 લાખની સહાય અપાશે

ગુજરાત મુખ્ય સમાચાર

અમદાવાદઃ કાંકરિયા રાઈડ દુર્ઘટનાના પડઘા વિધાનસભામાં પડ્યા છે. દરેક દુર્ઘટનાની માફક ફરી એકવાર રૂપાણી સરકારે તબેલાને તાળા મારવાની નીતિ અપનાવી તપાસ સમિતિ બનાવવા અને મૃતકોને રૂ.4 લાખની સહાય આપવાની જાહેરાત કરી સંતોષ માન્યો છે.

અન્ય રાજ્યોના કાયદાનો અભ્યાસ કરી કડક કાયદો બનાવાશે
વિધાનસભા ગૃહમાં કાંકરિયામાં રાઈડ તૂટી જવાની ઘટના પર નિયમ 116 અંતર્ગત કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન ઉઠાવતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જવાબ આપ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ સમિતિ દ્વારા ગુજરાત બહાર એમ્યુઝમેન્ટ પાર્કની સ્થિતિનો અભ્યાસ કરી તે રાજ્યના કાયદાનો પણ અભ્યાસ કરવામાં આવશે અને ગુજરાતના કાયદામાં સુધારો કરી વધુ કડક કાયદા બનાવવામાં આવશે.

લાયસન્સ મામલે તપાસ ચાલુ

આ સિવાય ગૃહ રાજ્યમંત્રીએ કાંકરિયા રાઈડ તૂટવાની ઘટનાને દુઃખદ ઘટના ગણાવી, જે બે વ્યક્તિના મોત થયા છે, તેમને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રુપિયા સહાય આપવાનો નિર્ણય કરાયો છે. યાંત્રિક સાધનોની ચકાસણી બાદ પ્રમાણ પત્ર મુદ્દે જે સવાલો છે, તે મુદ્દે તપાસ ચાલુ છે. આરોપીઓ રિમાન્ડ પર છે. માત્ર નાના માણસોને નથી પકડ્યા કંપનીના મેનેજીંગ ડિરેક્ટર સહિત તમામ લોકોને પકડ્યા છે.