15 કરોડ યૂઝર્સનાં ચહેરા-નામ સુધી પહોંચ ધરાવતી FaceAppથી સાવધ રહેવું જોઈએ?

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વિશ્વભરમાં ‘ફેસઍપ’ ધમાલ મચાવી રહી છે. આ ઍપ થકી લોકો પોતાની વૃદ્ધાવસ્થાની સંભવિત તસવીર જોઈ શકે છે.

સોશિયલ મીડિયા પર ફેસઍપની તસવીરો ધડાધડ પોસ્ટ કરાઈ રહી છે. આ ઍપ કોઈ પણ વ્યક્તિની તસવીરને કૃત્રિમ રીતે વૃદ્ધ વ્યક્તિના ચહેરામાં ફેરવી દે છે.

જોકે, તમને તમારી વૃદ્ધાવસ્થાની તસવીર જેટલી રોમાંચક લાગે છે એટલું જ જોખમ પણ નોતરે છે.

ફેસઍપ એક રશિયન ઍપ છે. આ ઍપને તસવીર બદલવા માટે અપલોડ કરવામાં આવે, ત્યારે તેને સર્વર સુધી મોકલાય છે.

ફેસઍપ યૂઝરની તસવીરને પસંદ કરીને અપલૉડ કરે છે. તેમાં કૃત્રિમ ઇન્ટેલિજન્સ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થકી ફેરફાર કરાય છે.

આ માટે તમારે ઍપ થકી જ તસવીર ખેંચવી પડે છે, પણ આવું કરવા જતા તમે ઍપને માત્ર તમારી તસવીર જ નથી આપી રહ્યાં, એ સિવાયનું પણ ઘણું આપી રહ્યાં છો.

એ વખતે તો એવું લાગે છે કે તમારી એ તસવીરનો અંગત હેતુસર ઉપયોગ કરાયો છે, પણ બાદમાં એનો જાહેર ઉપયોગ પણ થઈ શકે છે.

આ ઍપ તમારા ફોનમાંથી માહિતી મેળવી શકે છે અને બાદમાં આ જ માહિતીનો જાહેરાત માટે ઉપયોગ પણ કરી શકાય છે.

એવું પણ શક્ય છે કે આ ઍપ તમારી ટેવ અને પસંદને સમજવા પ્રયાસ કરી રહી છે, જેનો બાદમાં જાહેરાત માટે ઉપયોગ કરી શકાય.

આને માર્કેટિંગના હથિયાર તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

કેટલાય લોકો એ વાતની ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે કે ઍપ તમારા મોબાઈલની તમામ તસવીરો સુધી પહોંચી શકે છે.

કેટલાક યૂઝર્સનો દાવો છે કે આ ઍપ ખોલતાં જ તમામ તસવીરો ઇન્ટરનેટ પર અપલૉડ થવા લાગે છે.

જોકે, આઈઓએસ અને આઈફોનમાં આ વિકલ્પ આવે છે કે કઈ તસવીરોને અપલોડ કરવી છે અને કઈ તસવીરોને નહીં.