મહારાષ્ટ્રમાં પૂરના કારણે પરિસ્થિતિ વણસી ગઈ છે. ખાસ કરીને પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી, સતારા અને કોલ્હાપુર તથા અકોલા વિસ્તારમાં સ્થિતિ ખૂબજ નાજુક બની છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં પૂર અને વરસાદના કારણે 27 લોકોના મૃત્યુ થઈ ગયા છે. આ ઉપરાંત કોંકણ અને સિંધુ દુર્ગ તથા રત્નાગિરિમાં પૂરના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જોઈએ આ અહેવાલ.
મહારાષ્ટ્રમાં પૂરના કારણે જાનમાલને ઘણું થયું છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયા છે. હજારો ગામ પાણીમા ડૂબી ગયા છે. જેમાંથી 2 લાખ જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને રાહત છાવણીઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે. પૂરમાં અનેક પાલતુ પ્રાણીઓ પણ ફસાઈ ગયા છે. જેમાંથી 30 હજાર જેટલા પાલતુ પ્રાણીઓને બચાવી શક્યા છે. પૂર પ્રભાવિત માટે મહારાષ્ટ્રમાં 270 જેટલી રાહત શિબિર બનાવવામાં આવી છે.
27 લોકોના થયાં મોત
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ સ્થિતિ પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી, સતારા અને કોલ્હાપુર તથા અકોલા વિસ્તારની થઈ છે. અહીં અત્યાર સુધીમાં પૂરના કારણે 27 લોકોના મૃત્યુ થઈ ગયા છે. આ ઉપરાંત કોંકણ અને સિંધુ દુર્ગ તથા રત્નાગિરિમાં પૂરના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
આ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. રહેવાસી વિસ્તારોમાં એનડીઆરએફ નાવ દ્વારા લોકોના જીવ બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે. જળમગ્ન થયેલા એકએક ઘરમાંથી મહિલાઓ અને વૃદ્ધોને પ્રાથમિકતા આપી ક્ષેમકુશળ બહાર કાઢવામાં આવી રહ્યા છે અને સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
રેલવે ટ્રેક પરથી વહી રહ્યો છે પાણીનો ધસમસતો પ્રવાહ
મહારાષ્ટ્રના અનેક ગામડાઓમાં હજુ પણ પાણી ભરાયેલા છે. ત્યારે NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરના રુકડી પાસેથી પસાર થતો રેલવે ટ્રેક પણ પાણીમાં ડૂબી ગયો હતો. રેલવે ટ્રેક પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો. જેના કારણે ટ્રેક ધોવાતા રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો છે.
પૂરમાં ફસાયેલા લોકોની મદદ માટે અને તેમના સુધી રાહત સામગ્રી પહોંચાડવા માટે એરફોર્સ અને કોસ્ટગાર્ડમની ટીમ તહેનાત કરાઈ છે.. કોલ્હાપુરમાં રેસ્ક્યૂ માટે કુલ 22 ટીમને ગોઠવવામાં આવી છે. એનડીઆરએફની 5 અને નૌસેનાની 14 ટીમો કોલ્હાપુર જિલ્લામાં ઉપસ્થિત છે.
200થી વધારે જવાનોની એક ટુકડી બચાવકાર્યમાં જોડાઇ
આ ઉપરાંત 200થી વધારે જવાનોની એક ટુકડી બચાવકાર્યમાં જોડાયેલી છે. જ્યારે કોસ્ટગાર્ડ અને એસડીઆરએફની એકએક ટીમ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. સાંગલીમાં 11 ટીમો રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલી છે.. જેમાં સેના, એનડીઆરએફની 8 અને કોસ્ટગાર્ડની 2 તથા સેનાની એક ટીમ સામેલ છે. જેની સાથે સ્થાનિક ધારાસભ્ય અને તેમની ટીમ પણ અસરગ્રસ્તોની મદદ માટે જોડાઈ છે.
મુખ્યમંત્રીએ કર્યું હવાઇ સર્વેક્ષણ
મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસે સાંગલી અને કોલ્હાપુરમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. આ વિસ્તારમાં સૌથી વધારે કૃષ્ણા જિલ્લો પ્રભાવિત થયો છે.. જ્યાં કૃષ્ણા અને પંચગંગા નદીઓનું જળસ્તર વધી રહ્યું છે. ગૃહમંત્રી અમીતશાહે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરીને પૂરપ્રભાવિત વિસ્તારોમાં સંભવિત દરેક પ્રકારની મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે..

