અમિત શાહ ગૃહ પ્રધાનની સાથે ભાજપ અધ્યક્ષનું પદ સંભાળશે: હાલ કોઇ વિકલ્પ નથી

મુખ્ય સમાચાર રાજકીય

અમિત શાહ મોદી સરકારના બીજા કાર્યકાળમાં ગૃહ પ્રધાન બન્યા છે. જેને પગલે હવે તેઓ ભાજપ અધ્યક્ષ પદે રહીને કામગીરી કેવી રીતે સંભાળી શકશે તેને લઇને પક્ષમાં ચર્ચાએ જોર પકડયું છે. સાથે ગૃહ પ્રધાન રહીને પણ શુ પક્ષના અધ્યક્ષ પદે રહી શકાય કે કેમ તેને લઇને પણ ચર્ચા ચાલી રહી છે.

આ સ્થિતિ વચ્ચે એવા અહેવાલો છે કે અમિત શાહને જ ભાજપ પક્ષના અધ્યક્ષ પદે કાયમ રાખશે. તેથી અમિત શાહ જ ભાજપ અધ્યક્ષ બન્યા રહેશે અને સાથે તેઓ ગૃહ પ્રધાનની પણ કામગીરી સંભાળી સકશે. જોકે તેઓ ગૃહ પ્રધાન હોવાથી તેમની કામગીરી વધી જશે. એવામાં ભાજપ અધ્યક્ષ પદની જવાબદારી પણ તેઓ સંભાળશે તેથી તેમની જવાબદારી બેગણી થઇ જશે.

એવા અહેવાલો છે કે એક વ્યક્તિ એક જ પદ પર રહેશે તેવો ભાજપના બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી તેથી ભાજપ તરફથી પણ અમિત શાહને અધ્યક્ષ અને ગૃહ પ્રધાન એમ બન્ને પદ પર રહેવાની છુટ મળી ગઇ હોવાના અહેવાલો છે તેમ છતા આ નિર્ણય અમિત શાહે જ કરવાનો રહેશે.

૨૦૧૪ પહેલા રાજનાથસિંહ ભાજપના અધ્યક્ષ હતા, જોકે તેમને કેન્દ્રીય ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા તે બાદ તેમણે અધ્યક્ષ પદ છોડી દીધુ હતું. બીજી તરફ એવા અહેવાલો છે કે અમિત શાહના મામલે આવું નહીં થાય અને ભાજપ અગાઉની પદ્ધતીને છોડીને નવી પદ્ધતી અપવાની શકે છે.

જોકે ૨૦૧૪માં પીયુષ ગોયલ પક્ષના કોષાધ્યક્ષ હોવા છતા તેઓ મંત્રી બન્યા, જોકે બાદમાં તેમણે આ કોષાધ્યક્ષ પદ છોડી દીધુ હોવાના પણ અહેવાલો સામે આવ્યા હતા.

પક્ષની વેબસાઇટ પર કોષાધ્યક્ષ તરીકે તેમનું નામ હાલ નથી. અમિત શાહ હાલ અધ્યક્ષ પદ સંભાળે રાખશે અને ૨૦૨૨ સુધી તેઓ આ જ પદ પર રહે તેવા અહેવાલો છે. પક્ષના નેતાઓમાં એવી પણ ચર્ચા છે કે ભાજપ અધ્યક્ષ પદે અમિત શાહની જગ્યા લઇ શકે તેવો કોઇ વિકલ્પ નથી.

બીજી તરફ વર્ષના અંતે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને પગલે આ વર્ષે અમિત શાહ જો અધ્યક્ષ પદે રહેશે તો તેમની જવાબદારી બેવડી થઇ જશે. ૨૦૨૦માં પણ દિલ્હીમાં ચૂંટણી યોજાઇ શકે છે. ૨૦૨૧માં પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, પુડ્ડુચેરીની ચૂંટણી યોજાશે.