દેશની મોટી બેંકોમાંથી એક પંજાબ નેશનલ બેંક(પીએનબી) સાથે લગભગ રૂ.14000 કરોડનું ફુલેકું ફેરવી વિદેશ ભાગી જનાર ભાગેડું હીરા વેપારી નીરવ મોદીને એર્થર રોડ જેલના અધિકારીઓએ પ્રત્યાર્પણ બાદ ‘બેરેક નંબર-12’માં રાખવાની તૈયારી કરી છે. ગૃહ વિભાગના એક અધિકારીએ મંગળવારે આ વિશે માહિતી આપી છે.
અધિકારીએ જણાવ્યું કે જેલ વિભાગે ગત સપ્તાહે ગૃહ વિભાગને ઓર્થર રોડ જેલની સ્થિતિ અને પ્રત્યાર્પણ બાદ નીરવ મોદીને જ્યાં રાખવામાં આવશે એવા બેરેક અને ત્યાં જે સુવિધાઓ આપવામાં આવશે તે વિશે રિપોર્ટ સોંપી છે. અધિકારીએ કહ્યું કે કેન્દ્રે પણ તાજેતરમાં રાજ્ય સરકાર પાસે આ વિશે માહિતી માગી હતી. મીડિયા રિપોર્ટ મુજબ 19મી માર્ચે લંડન ખાતે સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓએ નીરવ મોદીની ધરપકડ કરી હતી. હાલ તેની ભારત પ્રત્યાર્પણની તૈયારીઓ ચાલી રહી છે. બ્રિટેનની વેસ્ટમિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ગત મહિને નીરવ મોદીની જામીનની અરજીને ફગાવી હતી.
અધિકારીએ કહ્યું કે કસરત અને મનોરંજન માટે યોગ્ય સમયે જેલમાંથી બહાર જવાની મંજૂરી પણ આપવામાં આવશે. જે એક દિવસમાં એક કલાકથી વધુ નહીં હોય. ઉપરાંત શુદ્ધ પાણી, ભોજન અને આરોગ્ય સુવિધાઓ પણ આપવામાં આવશે. ત્યાં નીરવ મોદીને કોઈ પણ રીતે ત્રાસ આપવા અથવા ખોટી વર્તણૂંક ન થાય તે વિશે પણ ચુસ્તપણે ધ્યાન રાખવામાં આવશે.