દિલ્હીના શાહીન બાગમાં કરાયેલા ફાયરિંગ મામલે દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે આરોપી કપિલ ગુર્જર આમ આદમી પાર્ટીનો સભ્ય છે. આરોપીના પિતા પણ આપ સાથે સંકળાયેલા હોવાની માહિતી છે. પોલીસે ખુલાસો કરતા કહ્યું કે પૂછપરછમાં આરોપી કપિલે જાતે જ આ બાબત સ્વીકારી હતી.
પોલીસની ક્રાઇમ બ્રાન્ચ મુજબ કપિલ ગુર્જરના મોબાઇલ ફોન અને તપાસમાં જાણવા મળ્યુ કે તેના ફોનમાં કેટલાક ફોટો હતા, જેમાં આરોપી અને તેના પિતા આમ આદમી પાર્ટીની નેતા આતિશી અને સાંસદ સંજય સિંહ સાથે નજર આવી રહ્યા છે. બીજી એક તસવીરમાં આરોપીના પિતા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં આશરે એક વર્ષ પહેલા કપિલ આમ આદમી પાર્ટીની સભ્યતા લેતાં નજર આવી રહ્યો છે. આ સમયે આરોપી કપિલ અને તેના પિતા સાથે લગભગ ડઝન જેટલા સાથીઓએ પણ આપની સભ્યતા સ્વીકારી હતી.
જે તસવીરો ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગી છે એમાં કપિલ આમ આદમી પાર્ટીની ટોપી પહેરીને ઉભો છે. હાલમાં કપિલ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે. આરોપી કપિલે શાહીન બાગમાં ફાયરિંગ કરી પોતાનું વ્હોટ્સએપ ડિલીટ કરી લીધુ હતું. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે તેની ચેટ અને અન્ય પૂરાવા ફોનમાંથી મેળવી લીધા હતા, જેના આધારે આ ખુલાસા કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે 30 જાન્યુઆરીએ કપિલ એના એક સાથી સાથે બાઇક પર શાહીન બાગ પહોંચ્યો હતો. જ્યાં તેણે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.