અમેરિકાના શેરબજારમાં તેજીની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી, સેન્સેક્સ 1251 અને નિફ્ટી 316 અંક વધ્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતીય શેરબજારોમાં હાલ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 1251 અંક વધી 28842 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 316 અંક વધી 8400 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એમએન્ડએમ, એચસીએલ ટેક, એક્સિસ બેન્ક અને ઈન્ફોસિસના શેરમાં તેજી જોવા મળી રહી છે. જોકે બજાજ ફાઈનાન્સના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.

વિશ્વના બજાર વધારા સાથે બંધ થયા

સોમવારે 6 એપ્રિલે અમેરિકાના બજારની સાથે વિશ્વના ઘણા બજાર વધારા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 7.73 ટકા વધારા સાથે 1,627.46 અંક વધી 22680.00 પર બંધ થયુ હતું. જ્યારે અમેરિકાના બીજા બજાર નેસ્ડેક 7.33 ટકા વધારા સાથે 540.15 અંક વધી 7,913.24 પર બંધ થયા હતા. બીજી તરફ એસએન્ડપી 7.03 ટકા વધારા સાથે 175.03 અંક વધી 2,663.68 પર બંધ થયા હતા. જ્યારે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ પણ 1.67 ટકા વધારા સાથે 46.19 અંક વધી 2,810.18 પર બંધ થયો હતો. 

અમેરિકાના શેરબજારમાં જોરદાર 7 ટકા ઉછાળો

  • સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ અનુસાર, સોમવારે તમામ 11 પ્રાઈમરી એસએન્ડપી 500 સેકટર્સમાં તેજી રહી જ્યારે ટેકનોલોજી અને યુટિલિટીઝમાં અનુક્રમે 8.78 ટકા અને 7.85 ટકા તેજી રહી.
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું હતું કે અમેરિકનોને આગળ કદાચ સૌથી વધુ કઠિન સપ્તાહ જોવા મળશે અને કોવિડ-19ના કારણે ઘણા લોકોના મોત થઈ શકે છે.
  • ગત સપ્તાહે અમેરિકાના શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
  • કોરોનાવાઈરસે અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો છે. અમેરિકામાં આ મહામારીના કારણે 10,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે તેના  સંક્રમણના કેસ 3.67 લાખથી વધુ થઈ ગયા છે.