મુંબઈ / ડોંગરીમાં ઈમારત ધરાશાયી, 10ના મોત; સાંકડી ગલીના કારણે માનવસાંકળથી બચાવ કામગીરી થઈ રહી છે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

મુંબઈ: ડોંગરીમાં મંગળવારે સવારે 11.45 વાગે 100 વર્ષ જૂની ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જોકે અગાઉ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટિલે આ ઘટનામાં 12 લોકોના મોત થયા હોવાની માહિતી આપી હતી. કાટમાળમાં લગભગ 40 લોકો ફસાયા હોવાની શકયતા છે. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમે રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે. આ બિલ્ડિંગમાં લગભગ 15 પરિવાર રહેતા હતા. બિલ્ડિંગની અંદર મહિલાઓ અને બાળકો પણ ફસાયા છે.

એનડીઆરએફના જણાવ્યા પ્રમાણે સાંકડી ગલી હોવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. જેસીબી જેવા મશીન પણ આ ગલીમાં જઈ શકતા નથી. તેથી લોકોએ માનવસાંકળ બનાવીને રાહત કામગીરી શરૂ કરી છે.

મુંબઈ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે આજે બપોરે 11.48 વાગે ડોંગરીની ટંડેલ ગલીમાં કેશરબાઈ નામની બિલ્ડિંગનો અડધો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે. આ બિલ્ડિંગ અબ્દુલ હમીદ શાહ દરગાહની પાછળ છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ખૂબ જૂની બિલ્ડિંગ હતી.

એક પ્રત્યાદર્શીના જણાવ્યા પ્રમાણે આ બિલ્ડિંગ અંદાજે 80 વર્ષ જૂની છે. આ બિલ્ડિંગમાં 10 પરિવાર રહે છે અને જ્યારે આ બિલ્ડિંગ ધરાશાયી થયું ત્યારે તેમાં અંદાજે 40-50 લોકો હતા.

મલાડમાં દિવાલ પડતા 13ના મોત થયા હતા

ભારે વરસાદથી મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આ પ્રમાણેની દુર્ઘટના થઈ રહી છે. આ દરમિયાન ઉત્તર-પશ્ચિમ મુંબઈના મલાડમાં 2 જુલાઈએ મોડી રાતે એક દિવાલ ધરાશાયી થવાના કારણે 13 લોકોના મોત થયા હતા. મલાડમાં પિંપરીપાડામાં આવેલી એક સ્કૂલની દિવાલ 2 જુલાઈએ રાતે એક વાગે બાજુમાં જ આવેલી ઝૂપડપટ્ટી પર દિવાલ પડી હતી.

પુણેમાં ઝૂપડપટ્ટી પર દિવાલ પડતા 7ના મોત થયા હતા

જ્યારે પુણેમાં પણ એક દિવાલ પડવાના કારણે સાત લોકોના મોત થયા હતા. પુણેમાં પણ 2 જૂલાઈની રાતે જ સિંહગઢ કોલેજની દિવાલ તેને અડીને આવેલી ઝૂપડપટ્ટી પર પડી હતી. તેમાં સાત લોકોના મોત થયા હતા.