કોહલીને સ્થાને રોહિતને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવા તખ્તો ઘડાયો

ખેલ-જગત

વિરાટ કોહલીને સ્થાને રોહિત શર્માને ભારતીય વન-ડે, ટ્વેન્ટી૨૦ ટીમનો કેપ્ટન બનાવવામાં આવે તે માટેનો તખ્તો ઘડાઇ રહ્યો છે. બોર્ડ ઓફ ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) સ્પિલ્ટ કેપ્ટનસી (ટેસ્ટ, વન-ડે ફોર્મેટના અલગ કેપ્ટન) અંગે ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે.

બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે સમર્થન આપતા જણાવ્યું હતું કે, ‘આગામી વન-ડે વર્લ્ડકપમાં સારો દેખાવ કરવા માટેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવી પડશે. વન-ડે ફોર્મેટમાં રોહિત શર્મા સુકાન સંભાળે તેના માટે આ યોગ્ય સમય છે. ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન અને મેનેજમેન્ટને ખૂબ જ સારો ટેકો છે તેમાં બેમત નથી. પરંતુ આગામી વર્લ્ડકપ માટે નવા વિચારો સાથેની રણનીતિ ઘડવાનો સમય આવી ગયો છે.  કયા પાસામાં વધારે મહેનત કરવાની જરૂર છે તેનાથી અમે વાકેફ છીએ. રોહિત ભારતની વન-ડે, ટ્વેન્ટી૨૦ ટીમનો કેપ્ટન બનવા યોગ્ય પસંદગી છે. ‘ વર્લ્ડકપ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી-વાઇસ કેપ્ટન રોહિત શર્માના બે જૂથ પડી ગયા હોવાના અહેવાલ આવ્યા હતા અને તેને પણ બીસીસીઆઇના અધિકારીએ સમર્થન આપતાં જણાવ્યું હતું કે, ‘સીઓએના વડા વિનોદ રાયના વડપણ હેઠળ રીવ્યુ મીટિંગ યોજાશે. જેમાં ટીમમાં અંદરોઅંદર મતભેદ થવાના અહેવાલ અંગે પણ ટીમ મેનેજમેન્ટને સવાલ કરવામાં આવશે.