ન્યૂઝીલેન્ડમાં હાફ સેન્ચુરી ફટકારનાર સચિન બાદ પૃથ્વી બીજો સૌથી યુવા ખેલાડી

ખેલ-જગત મુખ્ય સમાચાર

ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા બાદ ભારતીય ટીમના ઓપનર પૃથ્વી શોએ બીજી ટેસ્ટમાં શાનદાર પર્ફોર્મન્સ કર્યું છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલ બે મેચની ટેસ્ટ સીરીઝના બીજા અને અંતિમ મુકાબલામાં પૃથ્વી શોએ આખરે હાફ સેન્ચુરી ફટકારી છે. તેણે 64 બોલમાં 54 રનની ઈનિંગ રમી છે. તેણે પોતાની ઈનિંગમાં આઠ ફોર અને એક સિક્સ ફટકારી હતી.

આ અગાઉ વેલિંગ્ટનમાં રમાયેલી પહેલી મેચમાં પૃથ્વી પહેલી ઈનિંગમાં 16 રન બનાવી શક્યો હતો જ્યારે બીજી ઈનિંગમાં 14 રન બનાવીને આઉટ થઈ હયો હતો. ત્યારબાદ બીજી ટેસ્ટમાં પૃથ્વીની જગ્યાએ શુભમન ગિલને સ્થાન આપવામાં આવે તેવી લોકોએ માગ કરી હતી, પરંતુ પૃથ્વીને પ્લેઈંગ ઈલેવનમાં યથાવત રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજી ટેસ્ટમાં તેણે હાફ સેન્ચુરી ફટકારી છે.

ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ મેચમાં હાફ સેન્ચુરી ફટકારીને પૃથ્વી શોએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. ન્યૂઝીલેન્ડની ધરતી પર ટેસ્ટ મેચોમાં અડધી સદી ફટકારનારો તે ભારતનો બીજો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. આ યાદીમાં પૃથ્વીથી આગળ પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર છે. સચિને 1990માં નેપિયર ટેસ્ટમાં 16 વર્ષ 291 દિવસની ઉંમરમાં ટેસ્ટ મેચમાં હાફ સેન્ચુરી ફટકારી હતી.

પૃથ્વી શોની વાત કરીએ તો તેણે 20 વર્ષ 112 દિવસની ઉંમરમાં આ રેકોર્ડ બનાવ્યો છે. આ યાદીમાં ત્રીજા નંબર પર અતુલ વાસન છે જેમણે 1990માં 21 વર્ષ 336 દિવસની ઉંમરમાં ઓકલેન્ડ ટેસ્ટમાં હાફ સેન્ચુરી ફટકારી હતી.