બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કોરોના વાયરસ સામે રક્ષણની અગમ ચેતી રૂપે જનતા કરફ્યુના એક દિવસ અગાઉથી જ શનિવારે લોકો, વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. જ્યાં નખી તળાવ સહિત મંદિર અને મોલ માનવ વસ્તી વિના સુમસાન બન્યા હતા. બીજી માઉન્ટ આબુને જોડતી તમામ ચેક પોસ્ટ સહિતના સ્થળે પ્રશાસન દ્વારા આવતા જતા લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે.
દેશભરમાં ઝડપભેર પ્રસરી રહેલા કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા તેમજ તેને આગળ વધતો અટકાવવા માટે સરકાર દ્વારા આજે રવિવારે જનતા કરફ્યુનું એલાન કરવામાં આવ્યું છે. જ્યાં રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કોરોના વાયરસ સામે રક્ષણની અગમ ચેતી રૂપે જનતા કરફ્યુના એક દિવસ અગાઉથી જ શનિવારે લોકો, વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. આ અંગે માઉન્ટ આબુ હોટલ એસોસિએશનના અધ્યક્ષ સુધીર જૈનએ જણાવ્યું હતું કે, 21 માર્ચથી જ્યાં સુધી સરકાર આદેશ ન કરે ત્યાં સુધી તમામ હોટલો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, માઉન્ટ આબુમાં સજ્જડ બંધના પગલે નખી તળાવમાં બોટિંગ સહિત અર્બુદા દેવી મંદિર, દેલવાડા જૈન ઉપાશ્રયમાં દર્શન અને મોલ માનવ વસ્તી વિના સુમસાન બન્યા હતા. બીજી માઉન્ટ આબુને જોડતી રેવદર, માવલ, અંબાજી ચેકપોસ્ટ, માઉન્ટ ટોલનાકુ તમામ બસ સ્ટેન્ડ સહિતના સ્થળે પ્રશાસન દ્વારા આવતા જતા લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. જો કે કોરોના ઇફેક્ટને પગલે સહેલાણીઓથી ખીંચોખીંચ ભરેલા રહેતા માઉન્ટઆબુમાં ચહલ પહલ બિલકુલ ઘટી ગઇ હતી.
સાઉથ આફ્રિકાથી આવેલા યુવકને શંકાસ્પદ લક્ષણો
સાઉથ આફ્રિકાના કેપટાઉન ખાતે અભ્યાસ કરતો એક યુવક માઉન્ટ આબુમાં પરત ફર્યો હતો. જેને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતાં માઉન્ટની ગ્લોબલ હોસ્પિટલના આઇસોલેસન વોર્ડમાં દાખલ કરી સઘન સારવાર હાથ ધરવામાં આવી છે. બીજી તરફ તેના પરિવારના 23 સભ્યોને તંત્ર દ્વારા હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા છે.
માઉન્ટ આબુમાં માસ્ક- સાબુનું વિનામૂલ્યે વિતરણ
માઉન્ટ આબુમાં કોરોના વાયરસ સામે રક્ષણ માટે શહેર કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ જીતુ રાણાની અધ્યક્ષતામાં માસ્ક-સાબુનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યાં શિવ શક્તિ સંસ્થાના સ્થાપક મોહનકુમાર હીરાગર સહિત યુવકોએ સીતાવન, અપ્પુ ઘર, માળી કોલોની, આંબેડકર કોલોની સહિતના વિસ્તારોમાં જઈ લોકોને કોરોના વાયરસ અંગે માહિતી આપી હતી. તેની સામે રક્ષણ મેળવવા માટેના ઉપાયો જણાવ્યા હતા. જે દરમિયાન ખેંગાર દેવાસી, ચંદનસિંહ, સુશીલભાઈ, કમલેશ પ્રજાપતિ, હરીશ પંચાલ, નારાયણ દાના, શરીફખાન, પૃથ્વીસિંહ, પ્રદીપ, દિનેશ કુમાર સહિત યુવકો ઉપસ્થિત રહ્યા હતા.