22 માર્ચે જનતા કર્ફ્યુના લીધે કોરોના વાયરસ સામે લડવા માટે ભારતીય રેલવેએ 2400 પેસેન્જર ટ્રેન અને 1300 મેલ તથા એક્સપ્રેસ ટ્રનો રદ કરી છે. શનિવાર (21 માર્ચ) મધ્યરાત્રિથી રવિવાર રાત્રે 10 વાગ્યા દરમિયાન એકપણ સ્ટેશનથી કોઇ પેસેન્જર ટ્રેન ઉપડશે નહીં. મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પણ રવિવારે સ્ટોપ કરવામાં આવશે.
દેશમાં કોરોના વાયરસની ઘાતક પરિસ્થિતિને જોતા રવિવાર, 22 માર્ચે જાહેર કરેલા જનતા કર્ફ્યુની પ્રતિકૂળ અસર ટ્રેનો પર પડશે. સૂત્રો મુજબ શનિવાર રાત્રે 12 વાગ્યાથી રવિવાર રાત્રે 10 વાગ્યા સુધી કોઇપણ પેસેન્જર ટ્રેન ઉપડશે નહીં.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને કોરોના વાયરસના સંકટને લઇને આગામી 22 માર્ચે સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યુનું આહ્વાન કરતા કહ્યુ હતું કે, જરુરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને છોડીને અન્ય કોઇએ પણ ઘરથી બહાર ન નીકળવુ જોઇએ. તેમણે 19 માર્ચે રાષ્ટ્રને સંબોધન કરતા તમામ દેશવાસીઓને અપીલ કરી હતી કે કોરોના વાયરસના ચેપથી બચવા માટે યથાગ પ્રયત્નને આધિન ઘરમાં જ રહો.
આ પહેલા રેલવેએ પેસેન્જર્સની ઓછી સંખ્યા અને કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને 20થી 31 માર્ચ વચ્ચે ચાલતી 90 ટ્રેનો રદ કરી હતી. જેની સાથે રદ કરેલી ટ્રેનોની સંખ્યા વધીને 245 થઇ હતી. 19 માર્ચે રેલવેએ 84 ટ્રેનો રદ કરી હતી. સૂત્રો મુજબ જે લોકોએ આ ટ્રેનોમાં રિઝર્વેશન કરાવ્યું હતું તેઓને વ્યક્તિગત રીતે આ અંગેની જાણકારી આપવામાં આવી રહી છે. રેલવે આ ટ્રેનોની ટિકિટ કેન્સલ કરવા મુદ્દે કોઇ ચાર્જ કાપશે નહીં.

