ગૃહ મંત્રી અમિત શાહ આગામી સપ્તાહે જમ્મુ-કાશ્મીરનાં પ્રવાસે, વિપક્ષી પાર્ટીઓમાં ફફડાટ ફેલાયો

મુખ્ય સમાચાર રાજકીય

વર્તમાન પરિસ્થિતિની વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આગામી સપ્તાહે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જઇ શકે છે. તેમનો આ પ્રવાસ ઘણો મહત્વનો મનાઇ રહ્યો છે. જો કે હજુ સુધી સત્તાવાર એલાન નથી થયું કે અમિત શાહનો પ્રવાસ કેટલા દિવસનો હશે. પરંતુ મનાઇ રહ્યું છે કે તેઓ બે દિવસ સુધી ત્યાં રોકાણ કરી શકે છે. આ દરમિયાન તેઓ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે. તેમજ સ્થાનિક જનપ્રતિનિધિઓને પણ મળશે. જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં જવાનોની તૈનાત તેમજ અમરનાથ યાત્રા રદ્દ કરવાના એલાન વચ્ચે અમિત શાહના પ્રવાસથી રાજકીય હલચલ તેજ થઇ છે.

મહત્વનું છે કે કેન્દ્ર સરકાર આ વખતે કાશ્મીરમાં આંતકવાદની સમસ્યાને દુર કરવાનું મન બનાવી લીધું છે. આ માટે સરકારે એક ખાસ રણનીતિ બનાવી છે. પરંતુ સુરક્ષા કારણોસર તેનાં વિશે જાહેરમાં કોઇ ચર્ચા કરવામાં આવી નથી. પાકિસ્તાન પણ એ વાત સમજી ગયું છે કે ભારત હવે પાકિસ્તાન પ્રેરિત આંતકનાં મૂળીયા ઉખેડીને જ જંપશે. બસ આ કારણે જ પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કુરેશી છેલ્લા ઘણા દિવસોથી અમેરિકાની મધ્યસ્થીનો રાગ આલાપી રહ્યા છે.