આર્જેન્ટીનાના કેપ્ટન લિયોનલ મેસી પર દક્ષિણ અમેરિકન ફૂટબોલ કન્ફેડરેશને ત્રણ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે. આ દરમિયાન તે ઇન્ટરનેશનલ મેચ રમશે નહીં. જોકે મેસી સ્પેનિશ ક્લબ બાર્સેલોના માટે રમી શકે છે. મેસીએ ગયા મહિને કોપા અમેરિકા ફૂટબોલ ટૂર્નામેન્ટમાં કન્ફેડરેશન પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. મેસીને 34.83 લાખ રૂપિયાનો દંડ પણ થયો છે.
મેસી અને આર્જેન્ટિના નિર્ણય વિરુદ્ધ અપીલ કરી શકે છે
મેસીએ ચિલી વિરુદ્ધ ત્રીજા સ્થાનની મેચ પછી આ ટિપ્પણી કરી હતી. તેની ટીમ 2-1થી આ મેચ જીતી ગઈ હતી. મેસી અને આર્જેન્ટીનાના આ પ્રતિબંધના નિર્ણય સામે અપીલ કરી શકે છે. મેસી પ્રતિબંધના લીધે ચાર ફ્રેન્ડલી મેચમાં ભાગ લઈ શકશે નહીં.
32 વર્ષીય મેસી અને આર્જેન્ટીનાના ફૂટબોલ સંઘે હજી સુધી પ્રતિબંધ સામે કોઈ ટિપ્પણી કરી નથી. મેસી ચિલી વિરુદ્ધની મેચ દરમિયાન રેડ કાર્ડના લીધે આવતા સાઉથ અમેરિકી વર્લ્ડ કપ ક્વોલીફાયર્સની પહેલી મેચ રમી સ્ક્સે નહીં.
મેસીએ કોપા અમેરિકા ટૂર્નામેન્ટ ફિક્સ અને યજમાન બ્રાઝીલના પક્ષમાં હોવાની વાત કરી હતી. તે મેચ પછી મેડલ લેવા એવોર્ડ સેરેમનીમાં પણ ગયો ન હતો. તેણે કહ્યું હતું કે, હું આ કરપ્શનનો ભાગ બનવા માગતો નથી. તેણે એ પણ કહ્યું હતું કે બ્રાઝીલનું જીતવું ફિક્સ હતું.

