ભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રને હરાવ્યું હતું. ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત ચાર મેચ જીતનાર પ્રથમ દેશ બન્યું છે. ટીમ ઇન્ડિયાએ તે સાથે જ સતત સાતમી ટેસ્ટ જીતી છે. ભારતે સીરિઝ 2-0થી પોતાના નામે કરી છે. પ્રથમ દાવમાં 241 રનની લીડ મેળવ્યા પછી ભારતે બાંગ્લાદેશને બીજા દાવમાં 195 રનમાં ઓલઆઉટ કર્યું હતું. યજમાન ટીમ માટે બીજા દાવમાં ઉમેશ યાદવે પાંચ અને ઇશાંત શર્મા ચાર વિકેટ લીધી હતી.
ભારતે સતત ચોથી ટેસ્ટ એક ઇનિંગ્સના માર્જિનથી જીતી
આ પહેલા ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને રાંચી ખાતે એક ઇનિંગ્સ અને 202 રને અને પુણે ખાતે એક ઇનિંગ્સ અને 137 રને હરાવ્યું હતું. તે પછી બાંગ્લાદેશને ઇન્દોરમાં એક ઇનિંગ્સ અને 130 રન હરાવ્યું હતું. આ મેચ જીતીને ભારતે સતત ચોથી ટેસ્ટ એક ઇનિંગ્સના માર્જિનથી જીતી છે. અગાઉ 1992 અને 1993માં ટીમે સતત ત્રણ મેચ એક ઇનિંગ્સના માર્જિનથી જીતી હતી.
વિરાટે એલેન બોર્ડરને પાછળ છોડ્યા
ટેસ્ટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ગ્રેમ સ્મિથના નામે છે. સ્મિથે 53 ટેસ્ટમાં જીત મેળવી છે. રિકી પોન્ટિંગ 48 અને સ્ટીવ વો 41 જીત સાથે આ સૂચિમાં અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે. વિરાટ કોહલી 33 જીત સાથે આ સૂચિમાં પાંચમા સ્થાને છે. તેણે કોલકાતા ખાતેની ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલેન બોર્ડર (32) જીતને પાછળ છોડ્યા છે. વિન્ડીઝના પૂર્વ કપ્તાન ક્લાઈવ લોય્ડ 36 જીત સાથે ચોથા સ્થાને છે. તેમજ કોહલીની કપ્તાનીમાં ટીમે રેકોર્ડ 11મી વાર એક ઇનિંગ્સના માર્જિનથી મેચ જીતી છે. અગાઉ મહેન્દ્રસિંહ ધોની હેઠળ 9 વાર આ રીતે મેચ જીતી હતી.
ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત 360 પોઈન્ટ્સ સાથે ટોપ પર
ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 7માંથી 7 મેચ જીતીને 360 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે. ઓસ્ટ્રેલિયા 116 પોઈન્ટ્સ સાથે બીજા અને ન્યૂઝીલેન્ડ 60 પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે.
મહમ્મદુલ્લાહ રિટાયર્ડ હર્ટ થયો
મહમ્મદુલ્લાહ 39 રને હેમસ્ટ્રીંગ ખેંચાતા રિટાયર્ડ હર્ટ થયો હતો. ત્યારબાદ તે ફરી બેટિંગ કરવા આવ્યો ન હતો. બાંગ્લાદેશ માટે મુશફિકર રહીમે સર્વાધિક 74 રન કર્યા હતા. મહેદી હસન 15 રને ઇશાંતની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. ઓપનર એસ ઇસ્લામ શૂન્ય રને ઇશાંતની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેના પછી મોમિનુલ હક શૂન્ય રને ઇશાંતની બોલિંગમાં કીપર સાહાના હાથે કેચ આઉટ થયો હતો. મોહમ્મદ મિથુન ઉમેશ યાદવની બોલિંગમાં મિડવિકેટ પર શમીના હાથે કેચ આઉટ થયો હતો.
ભારતે પ્રથમ દાવ 347/9 ડિક્લેર કર્યો
ભારત બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે મજબૂત સ્થિતિમાં છે. મહેમાન ટીમને 106 રનમાં ઓલઆઉટ કર્યા પછી ભારતે 9 વિકેટે 347 દાવ ડિક્લેર કર્યો હતો. ભારત માટે વિરાટ કોહલીએ 136 રનની કપ્તાની ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો. તેણે પોતાના ટેસ્ટ કરિયરની 27મી અને ભારત માટે પિન્ક-બોલ ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી. તૈજુલ ઇસ્લામે હુસેનની બોલિંગમાં ફાઈન-લેગ પર કોહલીનો જોરદાર કેચ કર્યો હતો. કોહલીએ કેપ્ટન તરીકે બધા ફોર્મેટની કુલ 188 ઇનિંગ્સમાં 41મી સદી મારી છે. કપ્તાન તરીકે સૌથી વધુ સદીના મામલે તેણે રિકી પોન્ટિંગની બરોબરી કરી છે. પોન્ટિંગે 41 સદી માટે કોહલી કરતા ડબલ એટલે કે 376 ઇનિંગ્સ લીધી હતી. દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કપ્તાન 33 સદી સાથે આ સૂચિમાં ત્રીજા સ્થાને આવે છે.
વિરાટ કોહલી ભારતના પાંચેય મેજર ટેસ્ટ સેન્ટર એટલે કે મુંબઈ, કોલકાતા, ચેન્નાઇ, બેંગ્લુરુ અને દિલ્હીમાં સદી ફટકારનાર ચોથો ખેલાડી બન્યો છે. તેની પહેલા ગુંડપ્પા વિશ્વનાથ, સુનિલ ગાવસ્કર અને સચિન તેંડુલકર આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

