મહારાષ્ટ્રમાં રાતોરાત સરકાર બનાવી ડેપ્યુટી સીએમના શપથ ગ્રહણ કરનાર અજીત પવારની ટ્વિટ પર NCP પ્રમુખ શરદ પવારે આકરી પ્રતિક્રિયા આપી છે. અજીત પવારની ટ્વિટનો જવાબ આપતા પવારે ટ્વિટ કરી કહ્યું કે, બીજેપી સાથે ગઠબંધન કરવાનો કોઇ સવાલ જ નથી. NCPએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે તે શિવસેના-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવશે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, અજીત પવારનું નિવેદન ખોટુ અને ગેરમાર્ગે દોરનારુ છે, એનાથી લોકોમાં ભ્રમ પેદા થશે.
આ પહેલા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે ટ્વિટ કરી હતી કે, હું NCPમાં છું અને હમેશાં NCP સાથે જ રહીશ અને શરદ પવાર સાહેબ અમારા નેતા છે. તેમણે લખ્યું હતું કે અમારુ બીજેપી-NCP ગઠબંધન આગામી પાંચ વર્ષ સુધી મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર આપશે અને રાજ્ય તથા પ્રજાના કલ્યાણ માટે પ્રામાણિકતાથી કામ કરશે.
અજીત પવારે અન્ય એક ટ્વિટ દ્વારા કહ્યું હતું કે, ચિંતા કરવાની જરુરત નથી, બધુ જ ઠીક છે. બસ, થોડુ ધૈર્ય રાખવાની જરુરત છે. આપસૌના સમર્થન માટે ખૂબ જ આભાર.
બીજી તરફ મુંબઇ બીજેપી ધારાસભ્યોની બેઠક પછી બીજેપી નેતા આશિષ શેલારે દાવો કર્યો હતો કે, અમે બહુમત સાબિત કરીશું. શેલારે જણાવ્યું કે, બેઠકમાં અમે ચર્ચા કરી અને ફ્લોર ટેસ્ટને આરામથી પાસ કરવાની રણનીતિ ઘડી. અમે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી રુપે શપથ ગ્રહણ કરવા બદલ શુભકામનાઓ પાઠવતો પ્રસ્તાવ પણ પાસ કર્યો. બેઠક પછી બીજેપી નેતાએ વિશ્વાસ અપાવ્યો હતો કે તેમની સરકાર મહારાષ્ટ્રમાં પાચ વર્ષ પૂરા કરશે.

