છેલ્લા થોડા વર્ષો દરમિયાન ફેસબુક અને વ્હોટ્સએપ દ્વારા ખોટા સમાચાર ફેલાવાના કારણે તોફાનો ભડકવાની અને મોબ લિન્ચિંગ જેવી ઘટનાઓ નોંધાઈ છે. ત્યારે ફેસબુકે ભારતમાં ફેક ન્યૂઝ ઓળખી તેને દૂર કરવા એક નવા ઓપ્શનની શરૂઆત કરી છે.
ફેસબુકમાં નવું ફીચર અમલી બન્યા બાદ જ્યારે પણ કોઈ યુઝર ફેસબુક પર ખોટા સમાચાર કે ખોટી હકીકત દર્શાવતી પોસ્ટ કરશે ત્યારે તે પોસ્ટ પર ફોલ્સ ઇન્ફોર્મેશન એટલે કે ખોટી જાણકારી લખેલું એલર્ટ મળશે. આ ઉપરાંત તેના પર ક્લિક કરવાથી તેના વિશેની સાચી જાણકારી પણ મળી રહેશે. વધુમાં કોઈ પણ યુઝર ફેસબુક પર ફેક ન્યૂઝને ઓળખી તે અંગે રિપોર્ટ કરી શકશે. જ્યારે પણ ફેક્ટચેકર કોઈ માહિતીને ફેક તરીકે રેટ આપશે ત્યારે તે માહિતી ન્યૂઝ ફીડમાં સાવ નીચે દેખાશે જેથી તેને જોનારા લોકોની સંખ્યા ખૂબ જ ઘટી જશે. ફેસબુક પર હવેથી વારંવાર ખોટી જાણકારી કે સમાચાર પોસ્ટ કરનાર એકાઉન્ટ વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકશે અથવા તે એકાઉન્ટને બ્લોક કરી દેવામાં આવશે.
ફેસબુકે હાલ ખોટા સમાચાર અને જાણકારી દર્શાવતી પોસ્ટ ઓળખી તેને દૂર કરવાનું કામ શરૂ કરી દીધું છે તથા તેના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની મદદ લેવાઈ રહી છે. એઆઈ અને મશીન લર્નિંગ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી અને ભાવનાત્મક રીતે લોકો સાથે સંકળાયેલી પોસ્ટને ઓળખવાનું કામ કરે છે. ત્યાર બાદ ફેસબુક થર્ડ પાર્ટી એટલે કે મીડિયાના વાસ્તવિક સમાચારોની લિંક વડે તેની તપાસ કરે છે અને આ બધું રોબોટ્સ દ્વારા થાય છે.
આ ફીચરની શરૂઆત ચૂંટણી સમયે કરવામાં આવી હતી પરંતુ તે સમયે પોસ્ટ શેર કરનાર વ્યક્તિને જ એલર્ટ આપવામાં આવતું હતું. હવે કંપનીએ પોતાના તમામ યુઝર્સને આ અંગે માહિતગાર કરવાનું શરૂ કરી દીધું છે અને ભારતમાં તેના માટે થોડા પાર્ટનર્સ પણ બનાવ્યા છે.

